મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં ખેડૂતો માટેની સિંચાઈ યોજનામાં ભારે ભ્રષ્ટાચાર આદરવામાં આવી રહ્યો છે સુજલામ-સુફલામ યોજનામાં ઉચ્ચ કક્ષાએથી છુપા આશીર્વાદના પગલે ભ્રષ્ટાચારી યોજના બની રહી છે સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડે બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન સિંચાઈ માટેની સુજલામ- સુફલામ યોજના અંતર્ગત પાઈપલાઈન નાખવાની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિ અને દૂરંદેશીનો ખ્યાલ રાખી જમીનનો કોઈ ટુકડો સિંચાઈથી વંચિત ન રહી જાય તેવી સુજલામ-સુફલામ યોજનાની વાહવાહી કરતા ફોટો પડાવ્યાના ગણતરીના કલાકોમાં સુજલામ-સુફલામ યોજનામાં  લીંબ ગામે ખેતરોમાંથી પસાર થતી પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા ૭૫ વીઘા જમીન તળાવમાં ફેરવતા ખેડૂતોને ભારે નુકશાન પહોંચ્યું હતું.

સાંસદ દીપસિંહ રાઠોડ સુજલામ-સુફલામ યોજનાની પાઈપલાઈનમાં વાપરવામાં આવતી પાઈપલાઈનનું નિરીક્ષણ કરવામાં ગોથું ખાઈ ગયા હોય તેમ વાહવાહી કરેલ પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. સાંસદ દીપસિંહે કરેલ સુજલામ-સુફલામ સિંચાઈ યોજનાના સ્થળ પરીક્ષણ કયા પ્રકારનું પરીક્ષણ હતું. તે અંગે ખેડૂતોના તરહ-તરહ ચર્ચાનો વિષય બન્યો છે. જીલ્લાના પ્રજાજનોએ અને ખેડૂતોમાં  સુજલામ-સુફલામ યોજનામાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાની અનેક બૂમો ઉઠી હોવા છતાં અધિકારીઓને પદાધિકારીઓ છાવરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લીંબ ગામામાં સુજલામ સુફલામ લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા તંત્રની બેદરકારી સામે આવી હતી. કેનાલ ની પાઇપલાઇનના વેલ માંથી હજારો લીટર પાણી નો વેડફાટ થતા ખેડુતોમાં રોષ જોવા મળ્યો  હતો.

બાયડના લીંબ ગામના ખેતરોમાંથી પસાર થતી સુજલામ સુફલામ લાઈનમાં ભંગાણ સર્જાતા આસપાસ ના ખેડૂતો ના 75 વિઘા થી વધુ જમીન માં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચોમાસા દરમ્યાન અતિવૃષ્ટીના કારણે ખેડુતોનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે માંડ બચેલા પાકમાં તંત્ર ની બેદરકારીના કારણે પાણી ફરી વળતા પાક સંપૂર્ણ નિષ્ફળ થઇ ગયો છે.

ચોમાસામાં સારો વરસાદ થતા હાલ પાણી ડેમમાં ભરપુર પાણી થયા છે પરંતુ દર ઉનાળામાં પાણીની અછત સર્જાય છે ત્યારે તંત્રની નિષ્ક્રિયતા હજારો લીટર પાણી તો વેડફાય જ છે પણ ખેતરોમાં ઉભા પાક પણ બરબાદ થાય છે.