મેરાન્યૂઝ નેટવર્ક.ભોપાલઃ નિર્ભયાના પાપીઓને સજા થઈ, હૈદરાબાદ રેપ કેસમાં એન્કાઉન્ટર થયા, હાથરસની ઘટનામાં આખો દેશ વિરોધ પ્રદર્શન કરવા ભેગો થયો છતાં રેપની ઘટનાઓ બનતી અટકતી નથી, કોઈને ભાન થતું નથી. મધ્યપ્રદેશમાં બે દીકરીઓ સાથે બળાત્કારની જધન્ય ઘટનાઓ બની છે જેને લઈને મહિલા સુરક્ષા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. બૈતૂલ જિલ્લામાં 14 વર્ષની સગીર દીકરી સાથે બળાત્કાર બાદ આરોપીઓએ માસૂમ બાળકીને જીવતી જ દફનાવી દીધી હતી પણ તે બચી ગઈ અને આરોપીઓ પકડાઈ ગયા. ત્યાં જ ઈંદોરમાં એક વિદ્યાર્થિનીને કોચિંગ જતી વખતે ઉઠાવી લીધી અને પછી કથિત રીતે ગેંગ રેપ કર્યો. આરોપીઓએ વિરોધ કરવા પર પીડિતા પર ચાકુથી હુમલો કર્યો, તેને એક બોરીમાં બાંધી અને રેલવે ટ્રેક પર ફેંકી દીધી.

બૈતૂલમાં પીડિતા ખેતરમાં પંપ ચાલુ કરવા ગઈ હતી. ત્યારે સાંજે મોડે સુધી તે પાછી આવી નહીં તો માતા પિતા તેને શોધવા ગયા. જ્યારે તે લોકો એક નાળા પાસે ગયા તો ત્યાં દીકરીની સીસકારીઓના અવાજ સંભળાયા. આરોપીઓએ તેને જીવતી પત્થરો અને કાંટાઓ વચ્ચે દફન કરી દીધી હતી. સારણી પીઆઈ મહેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું કે પીડિતા સાંજે 5 વાગ્યે બહાર ગઈ હતી. જ્યારે થોડા કલાકો પછી તે પાછી ન આવી તો તેને તેનો પરિવાર શોધવા નીકળ્યો. આરોપીઓએ તેને નાળામાં ફેંકી દીધી હતી અને પત્થરોથી દબાવી દીધી હતી. તે પહેલા તેમણે પીડિતાના જડબા પર હુમલો કર્યો હતો. 35 વર્ષના આરોપીને આઈપીસી અને પોક્સો એક્ટ અંતર્ગત પકડી લેવામાં આવ્યો છે. પીડિતાને સારી સારવાર મળે તે માટે નાગપુર રીફર કરાઈ છે.

ઈંદોરમાં હેવાનીયત

ત્યાં જ બીજી બાજુ ઈંદોરમાં ભાગરીથપુરા વિસ્તારમાં સ્થિત રેલવે ટ્રેક પાસે પણ આવી જ એક ઘટના બની છે. યુવતીએ પોલીસને કહ્યું કે તે પાટનીપુરા વિસ્તારમાં કોચિંગ ક્લાસમાં ભણે છે. મંગળવારે સાંજે તે કોચિંગથી પાછી આવતી હતી ત્યારે તે સમયે એક આરોપી મળ્યો. તેના સાથે એક યુવક બીજો પણ હતો. યુવતીનો આરોપ છે કે બંનેએ વાતો વાતોમાં તેને કાંઈક સુંઘાડ્યું અને બાઈક પર બેસાડી કોઈ ફ્લેટમાં લઈ ગયા જ્યાં પહેલાથી કેટલાક લોકો હાજર હતા. બધાએ તેની સાથે રેપ કર્યો બાદમાં જ્યારે પોલીસને જણાવાની ધમકી આપી તો તેના પર ચાકુથી હુમલો કર્યો અને બોરીમાં બાંધી તેને રેલવે ટ્રેક પર ફેંકી દીધી.

એડીશનલ એસપી શશિકાંત કનકનેએ કહ્યું કે આરોપીઓ સ્થળ પરથી ભાગી ગયા પછી યુવતીએ બુમો પાડી અને લોકોની મતતથી જેમતેમ કરીને બહાર આવી. બાદમાં લોકોએ તેને એમવાય હોસ્પિટલમાં દાખલ કરી. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.