તુષાર બસિયા (મેરાન્યૂઝ.અમદાવાદ) : કોઇને કોઇ કારણોસર જીવનથી કંટાળી આપઘાત કરતા કિસ્સાઓ સાંભળી દુ:ખ થાય છે. માટે આજે એક એવી સત્ય ઘટનાની વાત કરવી છે જે ખુબ પ્રેરણાદાયક છે. આ કહાણી છે એક એવા વ્યક્તિની જેને નથી હાથ કે નથી પગ (દિવ્યાંગ) છતાંયે લખે છે, વાંચે છે, તરણ કરે છે, ગોલ્ફ રમે છે, ઉછળ કુદ કરે છે અને સૌથી મોટું કે લાખો લોકોને જીવન જીવતાં શિખવે છે, જીવનની પ્રેરણા આપે છે. આ વ્યક્તિ છે ઓસ્ટ્રેલિયાનો નિક વુજીકિક. વાત છે સંઘર્ષની, વાત છે સંઘર્ષ પછીની સફળતાની, વાત છે એક નાનકડી અમથીં પ્રેરણાથી તરેલા જીવનની.

•    માતાએ ખોળામાં લેવાં કર્યો ઇન્કાર.

નિક વુજીકિકનો જન્મ 4 ડિસેમ્બર 1982ના રોજ ઓસ્ટ્રેલિયાનાં મેલબોર્ન શહેરમાં સાધારણ કુટુંબમાં થયો. યુગોસ્લાવિયા મુળનાં દુસાંકા અને બોરીસ્લોવ દંપતીને ત્યાં નિકના જન્મ સાથે ખુશી કરતા ચિંતાનું વાતાવરણ વધ્યું. ચિંતાનું કારણ પણ વાજબી હતું, દાકતરે નવજાત શિશું જન્મે જ શરીરનાં સંપુર્ણ વિકસિત અંગોથી વંચિત છે એવું જણાવ્યું હતું. દાકતર પણ આ વાત કહેતા દુ:ખી હતા. આ વાતના કારણે પહેલા તો માતા સામે નિકને લાવ્યાં ત્યારે માતાએ તેને ખોળામાં લેવાનો સુદ્ધા ઇન્કાર કરી દિધો હતો, બાદમાં માતા-પિતાએ ઇશ્વરની ઇચ્છા સમજી નિકનો સ્વિકાર કર્યો હતો, નિકે પોતાની આત્મકથામાં આ વાત પણ લખી છે. માતા-પિતા ઇશ્વરની ઇચ્છાને મંજૂર રાખી નિકનો ઉછેર કરવા લાગ્યા, પરંતુ વુજીકિક દંપતી બાળકના ભવિષ્યને વિચારી હંમેશા ચિંતામાં રહેતું હતું.

•    અખબારનાં લેખે આણ્યું પરિવર્તન.

નિક પોતાની આવી ભયંકર પરિસ્થિતિનો સામનો કરી કિશોરાવ્સ્થામાં પહોંચ્યાં, પણ પોતે અન્ય સ્વસ્થ બાળકોની માફક બાળપણ કે કિશોરોની માફક કિશોરાવસ્થા માણી ન્હોતા શકતાં. આ વાતોને કારણે પોતાની જાતને, અસ્તિત્વને ધિક્કારવા લાગ્યા અને આત્મહત્યાનાં વિચારો શુદ્ધા કરી જીવનલીલા સંકેલવા તૈયાર થયા. 17 વર્ષની વયે સંઘર્ષનાં વમળો વચ્ચે ઘેરાયેલાં નિકની માતા દુસાંકા અખબારમાં એક દિવ્યાંગનો જીવન સંઘર્ષ અને સફળતા વિશે લેખ વાંચે છે, બાદમાં આ લેખ નિકને પણ વંચાવ્યો. આ લેખમાં દિવ્યાંગની વાતથી નિક એટલો પ્રભાવિત થયો કે તેણે દુ:ખના વમળોને પોતાનાથી જાણે અલગ જ કરી નાખ્યાં. નિકે શિક્ષણ સાથે રમત-ગમત, વાંચન-લેખન અને ઇતર પ્રવૃતિ પર પોતાની તમામ શકિત લગાવી નાંખી, અને 21 વર્ષની ઉંમરે નિક ગ્રિફીથ યુનિવર્સિટીમાંથી બેચલર ઑફ કોમર્સ સાથે એકાઉન્ટંસી તેમજ ફાઇનાન્સિયલ પ્લાનિંગમાં ખુબ સારા માર્કે ઉતિર્ણ થયાં.

•    વણથંભ્યો નિક બન્યો સેલેબ્રેટી.

અભ્યાસમાં મેળવેલ સિદ્ધિથી સંતુષ્ટ રહી જવાથી ક્યાં આ નિક હવે થંભવાનો હતો, નિકને તો જાણે ઇશ્વરે દુનિયામાં મિશાલ કાયમ કરવા જ દિવ્યાંગતા બક્ષી હતી. નિકને કુદરતે બક્ષેલા નહીંવત પગનાં પંજાની આંગળી ઑપરેશન વડે છુટી પડાવી, જેના વડે પુસ્તકનાં પાનાં ફેરવવાં લાગ્યો. નાનું-મોટું લખાણ મોંઢામાં બોલપેન પકડી તો લાંબુ લખાણ ટેકનોલોજીના માધ્યમથી આરંભ્યું. આમ કરતા પોતાની આત્મકથા સહિત 5 મોટીવેશનલ પુસ્તકો લખી વાળ્યાં. ત્યાં સુધીમાં નિક તરણ કરતા શિખી ગયો, ગોલ્ફની રમત અને જંપીગ કરવાની રમત તો જાણે કોઇ રમતવીર હોય તેમ રમવા લાગ્યો. આ શિખરે પહોંચ્યાં ત્યાં સુઘીમાં નિક વિશ્વમાં જાણિતો સેલેબ્રેટી બની ચુક્યા હતાં અને નિક સમાચારોમાં છવાયેલા રહેવા લાગ્યા.

•    દિવાદાંડી માફક રાહબર બન્યાં નિક.

ઇશ્વર પણ જાણે નિકના સંઘર્ષને જોઇ સહાયમાં જોતરાઇ ગયો હોય તેમ, એક પછી એક મોટી સિદ્ધિ હાંસલ કરતો ગયો. આટલે નહિં થોભતા 2005માં નિકે દિવ્યાંગોની મદદ માટે આગળ આવવાંની જાહેરાત કરી “લાઇફ વિધાઉટ લીંબ્સ” નામે ઇન્ટરનેશનલ NGOની સ્થાપના કરી. 2007માં નિકે “એટિટ્યુડ ઇસ એલ્ટિટ્યુડ” નામની મોટિવેશનલ સ્પિકર કંપની સ્થાપી દિવ્યાંગો સાથે સ્વસ્થલોકોને પણ પ્રોત્સાહન આપવા અને જીવન જીવવાની સમજણ આપવા લાગ્યાં છે. જીવનમાં કુદરતે દરેક માટે નિશ્ચિત કરેલું કાર્ય છે ઇશ્વરે સમજીને જ દરેક પરિસ્થિતીનું નિર્માણ કર્યું છે આ વાત નિક ખુબ સરસ રીતે સમજાવી અનેક જીવનથી કંટાળેલા લોકોનો દિવાદાંડી માફક રાહબર બન્યાં છે.  

•    લાઇફ વિધાઉટ લિંબ્સ 30 ભાષામાં ઉપલ્બ્ધ

નિકે 63 દેશોમાં સફર કરી પોતાના વિચારો અને સફળતાનાં ખેડાણથી લોકોને વાકેફ કર્યા છે, 16 દેશોનાં રાષ્ટ્રપતિ પણ બીરદાવી ચુક્યા છે આ હસ્તિને. નિકના 5 પુસ્તકોમાંનું પુસ્તક “લાઇફ વિધાઉટ લિમિટ” આજે વિશ્વની 30 ભાષામાં ઉપલ્બ્ધ છે. હળાહળ કંટાળેલા નિકને એક અખબારનાં લેખે જીવનની પ્રેરણા પુરી પાડી, તેમ નિક વુજીકીકની જીવન કહાણી અને સફળતાનાં લેખો સૌ માનવને પ્રેરણા પુરી પાડશો.