મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા અને કોરોનાથી મોત નીપજવાની ઘટનામાં સુખદ ઘટાડો જોવા મળી રહ્યો છે મોડાસા શહેર સહીત અરવલ્લીના અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓ અમદાવાદ, ગાંધીનગર, વડોદરાની ખાનગી અને ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જીલ્લામાં મોટી ઉંમરના કોરોના પોઝિટિવ દર્દીઓના મોતનો સિલસિલો અટકતો નથી જે ચિંતાજનક બાબત છે મોડાસા શહેરની ડુંગરવાડા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા મુસ્તુફા ભાઈ કુશ્કીવાળા નામના વૃદ્ધનું કોરોનાથી સારવાર દરમિયાન વાત્રક કોવીડ હોસ્પિટલમાં મોત નિપજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આરોગ્ય તંત્ર ૬૦થી વધુ વય ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીના મોતનું કારણ કોરોના હોવાનું માનતું જ નથી અને આવા ઉંમરલાયક કોરોના પોઝિટિવ દર્દીઓને નોન કોવિડ ડેથ ગણવામાં આવે છે જેના પગલે મોડાસા શહેર અને અરવલ્લી જિલ્લામાં કોરોનાનો ડેથ રેસિયો સરકારી ચોપડે વધતો નથી. જ્યારે પરિસ્થિતિ તેનાથી વિપરીત અને ભયંકર છે. મોડાસા શહેરના ૬૦ વર્ષીય વૃદ્ધને કોરોના ભરખી ગયો છે અરવલ્લી જીલ્લા આરોગ્ય તંત્રની અખબારી યાદીમાંથી મોત નો આંક જ ગુમ કરી દીધો છે.