મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ હાલ મતદાન ચાલી રહ્યું છે. સવારે 7 વાગ્યાથી ચાલી રહેલા મતદાનમાં બપોરે 12 વાગ્યા સુધીમાં સરેરાશ 20 ટકા કરતા વધુ મતદાન નોંધાયું છે. જેમાં જિલ્લા પંચાયત માટે 22% તાલુકા પંચાયત માટે 17% અને ન.પા. માટે 15%થી વધુ મતદાન સામેલ છે. લોકશાહીના આ પર્વ અંતર્ગત સાંસદો અને મંત્રીઓ સહિત દિગ્ગજોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જસદણનાં વીરનગરમાં 105 વર્ષના હીરાબા, રાજ સમઢીયાળામાં 109 વર્ષના કુંવરબેન લીંબાસીયા સહિતના વયોવૃદ્ધ મતદારોએ પણ લોકશાહી પ્રત્યે પોતાની ફરજ અદા કરવા મતદાન કર્યું હતું. આ તકે મતદાન કર્યા બાદ જ બાવળીયા ગુપ્તતા રાખવાનો નિયમ ભૂલ્યા હતા. અને પોતે ભાજપને મત આપ્યો હોવાનું કહ્યું હતું.

સાંસદ મોહન કુંડારિયાએ મોરબી, રમેશ ધડુકે પોરબંદર તેમજ મંત્રી કુંવરજી બાવાળીયાએ વીંછીયા તો જયેશ રાદડિયાએ પણ જેતપુરનાં જામ કંડોરણામાં મતદાન કર્યું હતું. ઉપરાંત ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત અનેક મહાનુભાવોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જો કે મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં મંત્રી કુંવરજી બાવાળીયાએ પોતે ભાજપ ઉમેદવારને મત આપ્યાનું કહી મતદાનની ગુપ્તતાનો સરેઆમ ભંગ કર્યો હતો. તો EVM માં મતદાન કરતો મોવિયાનો વિડીયો વાયરલ થતા લોકોમાં અનેક સવાલો ઉઠયા હતાં.

ઉલ્લેખનીય છે કે, પંચાયતોની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિતનાં રાજકીય પક્ષોએ છેલ્લા દિવસોમાં તમામ તાકાત કામે લગાડી છે. આમ આદમી પાર્ટી પંચાયતોમાં સરેરાશ 25 ટકા જેટલી બેઠકો લડી રહી છે. મહાપાલિકાની ચૂંટણીનાં પરિણામો બાદ જ્યાં આપ મેદાનમાં છે ત્યાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકમાં આપના 21 ઉમેદવારો મેદાનમાં છે. જેતપુર તાલુકા સહિતની બેઠકોમાં ભારે રસાકસી જોવા મળી રહી છે.