મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતના બહુ ચર્ચીત બિટકોઈન કેસ કોઈ પણ હિન્દી ફિલ્મને ટક્કર મારે તેવો પ્લોટ છે, જેમ ડુંગળીનું એક પડ ખોલો તેની નીચે બીજુ પડ મળે  તેમ છેલ્લાં દોઢ વર્ષથી એક પછી એક નવી ઘટનાઓ બહાર આવી રહી છે, બિટકોઈન કેસના ફરાર આરોપી શૈલેષ ભટ્ટની સગી સાળી નિશા ગોંડલીયાએ પોતાને દુબઈથી ધમકી મળી રહી છે તેવી ફરિયાદ જામનગર પોલીસમાં નોંધાવી હતી તે આપ જાણો છો, પણ આ દરમિયાન શુક્રવારના રોજ નિશા ગોંડલીયા ગાંધીનગર ડીજીપી ઓફિસ પહોંચ્યા હતા જ્યાં તેમણે પોતાને આ કેસના સાક્ષી બનાવવામાં આવે તેવી અરજી આપી છે. પહેલી નજરે તો નિશા ગોંડલીયા આ મામલે પોતાના બનેવી શૈલેષ ભટ્ટને મદદ કરવા જતાં ફસાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે પણ વાસ્તવમાં આ ઘટના પણ રમતનો ભાગ છે અને શૈલેષ ભટ્ટની સ્થિતિ ઘર ફુટે ઘર જાય તેવી થઈ છે.

તાજેતરમાં શૈલેષ ભટ્ટની સાળી નિશા ગોંડલીયાએ અમદાવાદમાં પત્રકાર પરિષદ કરી ઘટસ્ફોટ કર્યો હતો કે, શૈલેષ ભટ્ટ ફરાર થયો તે પહેલા તેને એક ફોન આપી ગયો હતો. શૈલેષના દાવા પ્રમાણે તેમાં પોતે નિદોર્ષ હોવાના પુરાવા હતા, ગત વર્ષે નિશા ગોંડલીયાનો કેટલાંક લોકોએ સંપર્ક કર્યો હતો અને કહ્યું કે શૈલેષ ભટ્ટને આ કેસમાં મુળ જામનગરના અને હાલ દુબઈ રહેતા જયેશ પટેલ મદદ કરી શકે તેમ છે, જેના કારણે તે પોતાના બનેવીને મદદ મળે તે હેતુથી તે દુબઈ ગઈ હતી. જ્યાં જયેશ પટેલે તેની પાસે રહેલો શૈલેષ ભટ્ટનો ફોન લઈ લીધો હતો. બાદમાં મને જાણકારી મળી હતી કે તે ફોનમાં 699 બિટકોઈન હતા. જો કે આ બાબતથી તે પહેલા અજાણ હતી. આ મામલે નિશાએ દુબઈ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.

જો કે ત્યાર બાદ આ મામલો હવે કોઈ કાર્યવાહી નહીં કરવા દુબઈથી જયેશ પટેલ ધમકી આપી રહ્યા હોવાનો નિશાનો દાવો હતો. જેના કારણે તેણે પોલીસ ફરિયાદ કરી રક્ષણ મેળવ્યું છે, પરંતુ આ મામલે આધારભૂત સુત્રોની માહિતી પ્રમાણે નિશા ગોંડલીયાએ પણ જીતુ નામની વ્યકિતના ઈશારે આ રમત શરૂ કરી છે. ખરેખર શૈલેષ ભટ્ટ સામે સીઆઈડી ક્રાઈમે ફરિયાદ નોંધતા શૈલૈષ અ્ને નિશા વચ્ચે જામનગરની અમર હોટલમાં મુલાકાત થઈ હતી. જ્યારે શૈલેષ દ્વારા ફોન આપવામાં આવ્યો ત્યારે નિશાને જાણ કરી હતી કે, ફોનમાં 850 બિટકોઈન છે, ત્યાર બાદ શૈલેષ ફરાર થઈ ગયો હતો,

શૈલેષ ભટ્ટ ફરાર થઈ ગયા બાદ નિશા અને તેના નિકટના મિત્ર જીતુને શૈલેષ ભટ્ટના બિટકોઈનનો ખેલ કરવાનો વિચાર આવ્યો હતો અને તેઓ દુબઈ ગયા અને જયેશ પટેલને બિટકોઈન વેચી નાખ્યા હતા, જે પેટે મળેલી મોટી રકમમાંથી આલીશાન મિલ્કત અને કાર પણ ખરીદી હતી, આ દરમિયાન ફરાર શૈલેષ અને નિશાનો સંપર્ક થતાં શૈલેષે પોતાના બિટકોઈન પરત માંગ્યા હતા. કારણ શૈલેષ ભટ્ટ જ્યારે પણ આ કેસમાં પોલીસ સામે હાજર થાય ત્યારે ધવલ માવાણી પાસે લૂંટી લીધેલા તમામ બિટકોઈન અથવા તેનો હિસાબ આપવાનો છે, તેવું શૈલેષ જાણે છે. જો કે નિશાએ પોતાને ફસાઈ દેવામાં આવી છે. તેવું કારણ આપી જયેશ પટેલે બિટકોઈન લઈ લીધા હોવાનું જણાવ્યું હતું.

જો કે આ મામલે ત્યાર બાદ નિશા અને શૈલેષના સંબંધોમાં ઓટ આવી હતી અને જ્યારે પણનો હિસાબ  શૈલેષ પકડાય અથવા હાજર થાય ત્યારે 850 બિટકોઈન નિશા પાસે છે, તેવુ સાબીત થાય તો નીશા ગોંડલીયા પણ આ કેસની આરોપી બને તેમ હતી. આથી નિશાએ પોતાના નિકટના મિત્ર જીતુના ઈશારે પહેલા ધમકી મળી રહી છે તેવી ફરિયાદ કરી અને હવે પોતાને સાક્ષી બનાવવામાં આવે તેવી અરજી કરી છે. જેથી ભવિષ્યમાં તે આરોપી બને નહીં. જો કે આ આખરી સત્ય નથી, ભવિષ્યમાં આ પ્રકરણમાં અનેક સત્યો બદલાતા રહેશે.

બિટકોઈન કેસ કોઈ હિન્દી ફિલ્મના પ્લોટ જેવો છે. તેમાં આ પ્રકારે એક પછી એક ઘટના ક્રમ બદલાતો રહ્યો છે, પહેલા શૈલેષ ભટ્ટ દ્વારા ગૃહ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી કે અમરેલી પોલીસ દ્વારા તેનું અપહરણ કરી 12 કરોડનું બિટકોઈન પડાવી લીધા ત્યાર બાદ સીબીઆઈ દ્વારા પાંચ કરોડ રૂપિયા લેવામાં આવ્યા. આ મામલે તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમે અમરેલીના એસપી જગદીશ પટેલ અને ઈન્સપેકટર અનંત પટેસ તેમજ પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયા અને પોલીસ વકિલ મળી બે ડઝન જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.

જો કે આ મામલે તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમે શૈલેષ ભટ્ટ પાસે આટલી મોટી રકમ આવી કેવી રીતે તેની તપાસ શરૂ કરતા ખબર પડી કે શૈલેષ ભટ્ટ અને તેના સાગરીતોએ સુરતના ધવલ માવાણીનું અપહરણ કરી 154 કરોડના બિટકોઈન અને રોકડ લૂંટી લીધા હતા, આમ સીઆઈડીની બીજી ફરિયાદમાં ખુદ શૈલેષ ભટ્ટ અને તેના સાગરીતો આરોપી થયા હતા, આ આરોપી પૈકી ઘણા પકડાઈ ગયા છે જ્યારે શૈલેષ ભટ્ટ ફરાર છે. શૈલેષ ભટ્ટ દ્વારા જેને લૂંટી લેવામાં આવ્યો તે ધવલ માવાણીએ અનેક લોકોને બિટકોઈનમાં રોકાણ કરાવી ડુબાડી દિધા હતા પણ તે દેશ છોડી ફરાર થયો હતો. હજી ગયા મહિનામાં તે ભારત પરત ફરતા તેની પણ ધરપકડ થઈ છે. આમ હમણાં સુધી બિટકોઈન મામલે અલગ અલગ છ ફરિયાદો નોંધાઈ ચુકી છે.

હવે શૈલેષ ભટ્ટની સાળી નિશા ગોંડલીયાએ પોતાને દુબઈથી ધમકી મળી રહી છે તેવી વધુ એક ફરિયાદ નોંધાવી છે.