મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ મોરબીમાં ગત રાત્રીના રવાપર રોડ પર રાહુલ અશ્વિનભાઈ ભોજક નામના યુવાનને કોઈએ છરીના ઘા ઝીંકી દેતા ઈજાગ્રસ્ત રાહુલને હોસ્પીટલે ખસેડાયો હતો અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવા તજવીજ હાથ ધરાઈ હતી, પરંતુ યુવાનને ગંભીર ઈજાઓ પહોચેલી હોવાથી સારવાર મળે તે પહેલા જ મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.

આ અંગે મૃતક રાહુલની માતા ભારતીબેને એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભારતીબેનએ નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના પુત્રને આરોપીની કાકાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોવાથી જે બાબતે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો. જે અંગે ખાર રાખી આરોપીએ ફરીથી ગઈકાલે રાત્રે ઝઘડો થતા રાહુલને છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.

જો કે પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર આરોપી માત્ર ૧૫ વર્ષોનો છે અને તેના માતા પિતા ગુજરી ગયા હોવાથી દાદા-દાદી સાથે રહે છે મૃતક રાહુલને અગાઉ આ આરોપીની કાકાની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો. જે વાતને લઈને રાહુલ વારવાર આરોપી સામે “તારી બેનને હું અહિયાં લઇ ગ્યો હતો.”  જેવા ટોન્ટ મારતો હોય ગઈકાલે રાત્રે ઉશ્કેરાયેલા સગીરે રાહુલની હત્યા કરી નાખી હતી.