મેરાન્યૂઝ નેટવર્ક મોરબી : મોરબીના ચાર સામાજિક અને રાજકીય આગેવાનોએ અમદાવાદ ખાતે હાર્દિક પટેલ સાથે બેઠક કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. મુલાકાતે જનાર આગેવાનો આ બેઠકને શુભેચ્છા મુલાકાત ગણાવી રહ્યા છે. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકનો હેતુ રાજકીય પણ હતો.

મોરબીના લોહાણા સમાજના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરૂ, વિહિપના આગેવાન ચંદ્રવદનભાઈ પુજારા તથા મહિલા કાઉન્સિલરના પતિ  હરીલાલ દસાડીયા સહિતનાઓએ અમદાવાદ મુકામે પાટીદાર અનામત આંદોલન સમિતિના સુપ્રીમો હાર્દિક પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. 

આ તમામ આગેવાનો કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે. થોડા સમય પૂર્વે તેમણે કોંગ્રેસ પક્ષ સામે બળવો કરીને ભાજપને ટેકો જાહેર કરીને વિકાસ સમિતિના નેજા હેઠળ નગરપાલિકાનું શાસન સંભાળ્યુ હતું. પરંતુ વિધાનસભાની ચૂંટણી પૂર્વે આ નારાજ બાર નગર સેવકોને કોંગ્રેસમાં ફરીથી સમાવી દેવામાં આવ્યાં હતા. જેને લઈને અત્યારે ફરી પાછુ મોરબી નગરપાલિકામાં ભાજપની સતા જોખમમાં આવી ગઈ છે. પરંતુ આ બળવાખોર સદસ્યો સામે જે તે વખતે કોંગ્રેસ પક્ષે પક્ષાંતર ધારા અન્વયે ફરિયાદ નોંધવી હતી. પરંતુ હાલમાં આ નગર સેવકો ફરીથી કોંગ્રેસ સાથે જોડાઈ જતા નગરપાલિકામાં સત્તા પરિવર્તનની હવા ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા કરાયેલી પક્ષાંતર ધારાની ફરિયાદ પાછી ખેંચવા માટે આ મુલાકાત યોજાઈ હોવાનું આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે. સ્થાનિક કોંગ્રસના અમુક આગેવાનો આ બળવાખોર સદસ્યોને કોંગ્રેસમાં પાછા સમાવવા અંગે ખાનગીમાં વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે આ આગેવાનોએ હાર્દિક પટેલના શરણે જવાનું કેટલું સફળ રહેશે તે આવનારો સમય બતાવશે.