મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ મોરબીના બાયપાસ નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં ભારે વરસાદના કારણે દીવાલ ધસી પડતાં સાત ઝુપડા દબાઈ ગયા હતા. જેમાં ચાર બાળકો ત્રણ મહિલાઓ સહિત આઠ વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ મહિલાઓ અને એક બાળકને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 

મોરબીમાં ગત રાતથી વરસાદ ચાલુ છે આજે સવારે છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં ૮ કલાકમાં 10 ઇંચ વરસાદ પડયો છે આ ભારે વરસાદના પગલે શહેરની મધ્યમાંથી પસાર થતી મોટી કેનાલ પણ છલકાઈ ગઈ હતી. આ છલકાઇ ગયેલી કેનાલનું પાણી મોરબીના કંડલા બાયપાસ નજીક આવેલા મચ્છુનગરના 25 વારિયા વિસ્તારમાં પહોંચ્યું હતું ત્યાં આવેલી એક ખાનગી જગ્યા ની ફરતે બાર પંદર ફૂટ ઊંચી દિવાલ બનાવવામાં આવી હતી આ દીવાલ પાયા વિના માત્ર પ્લીન્થ પર ઉભી કરેલી હતી આ દિવાલના ટેકા પર પરંપ્રાતીય મજૂરોએ સાત ઝુપડા ઊભા કરેલા હતા.

આજે ભારે વરસાદ હોવાથી તમામ મજદૂર પરિવારો પોતાના ઝૉપડામાં જ હતા. તે દરમ્યાન એ વિસ્તારમાં ખૂબ પાણી ભરાવાથી આ દીવાલનું જોડાણ તૂટી ગયું હતું અને 12 થી 15 ફૂટ ઉંચી અને દોઢ ફૂટ જાડી દિવાળી ઝોપડાઓ પર ખસી ગઇ હતી. જેના પગલે એક જ પરિવારના બે પુત્રી એક પુત્ર અને તેની માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઝૂંપડામાં રહેલા એક કિશોરી એક પુરુષ અને બે સ્ત્રીઓના મોત નિપજ્યા હતા. જ્યારે એક બાળક અને ત્રણ સ્ત્રી સહિત ચાર વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી.

બપોરે એક વાગ્યાની આસપાસ બનેલી આ દુર્ઘટનામાં મધ્યપ્રદેશથી રોજગારી અર્થે આવેલા આઠ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા જેમાં તેજલબેન સેનુંભાઈ ખરાડી, અખિલેશ ભાઈ સેનુંભાઈ ખરાડી, લલીતાબેન સેનુંભાઈ ખરાડી, કશમાબેન સેનુંભાઈ ખરાડી, આશાબેન પુંજાભાઈ અમલીયાર, કલિતાબેન વિદેશભાઇ ડામોર, કાળીબેન અલલુંભાઈ અમલીયાર, અને વિદેશભાઈ ભૂંડા ભાઈ ડામોર મોત નિપજયા હતા. જ્યારે મીતલી અખિલેશ અમલીયાર, નીરુ તોલીયા અમલીયાર, રેખા રાજેશ અમલીયાર અને અજય સેનું ખરાડીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાબનાવના પગલે મોરબી એસપી નગરપાલિકાના પ્રમુખ સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા.