મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ મોરબી બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના શિખરબદ્ધ મંદિરના શિલાન્યાસ મહોત્સવનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે. જે પ્રસંગે મહંત સ્વામી અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના મહાનુભાવો ખાસ પધાર્યા હતા. જેની પ્રેરક હાજરીમાં મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે. બીએપીએસ સંસ્થાના પરમાધ્યક્ષ મહંત સ્વામીનું સ્વાગત અને સામૈયું કરવામાં આવ્યું હતું 

મોરબીના સામાકાંઠે આવેલ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના શિલાન્યાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા. ૧૨ થી ૧૭ સુધી ચાલનાર શિલાન્યાસ મહોત્સવના શુભારંભ પ્રસંગે મહંત સ્વામી તેમજ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા તેમજ સાંસદ મોહનભાઈ કુંડારિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, પરષોતમભાઈ સાબરીયા, કલેકટર આર જે માકડિયા, સિરામિક ઉદ્યોગપતિઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બીએપીએસ સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહંત સ્વામી મહારાજે મચ્છુના તટે આવેલા મોરબીની ધરાને સૌપ્રથમ વખત પધારીને પાવન કરી હોવાનું તેમના સંસ્થાના ભક્તોએ કહ્યું છે અને તારીખ ૧૭ જુન સુધી મોરબીમાં તેઓ રોકાણ કરશે જે પ્રેરક ઉપસ્થિતિમાં વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેરક પ્રદર્શન અને સત્સંગ સભા તથા પારાયણ યોજાશે.