મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ મોરબીના ચકચારી એવા મુસ્તાક હત્યા કેસનો આરોપી હિતુભા ઉર્ફે હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા ગતરોજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો. આ ઘટનામાં નરોડાના પીએસઆઈ, ત્રણ પોલીસ જવાન, હિતુભા સહિત કુલ ૭ વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે જેમાંથી પીએસઆઈ સહિતના જવાનોની તો ધરપકડ પણ ધાંગધ્રા પોલીસે કરી લીધી છે. હાલ હિતુભાને પકડવામાં પણ જુદીજુદી દીશામાં પોલીસ તપાસ કરી રહી છે. મોરબી એ.ડીવી. પોલીસ દ્વારા હિતુભાના ઘરે તપાસ કરવામાં આવી હતી. હિતુભા ઝાલા તો તેના ઘરેથી મળી આવ્યો ન હતો. જો કે તેના ઘરમાંથી 18 જીવતા કારતુસ મળી આવ્યા હતા. જેને પગલે હિતુભાના બે સગા ભાઈઓની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને પકડવા માટે તજવીજ શરુ કરવામાં આવી છે.

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ફાયરિંગ દ્વારા હિસ્ટ્રી સીટર મુસ્તાક મીરની હિતુભા દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં પકડાયેલા હિતુભા ઝાલા પેરોલ જમ્પ કરીને ગત રોજ નાશી ગયો હતો. પોલીસને ચકમો આપીને હિતુભા એક ફોર્ચ્યૂનર કારમાં ફરાર થઈ ગયો હતો. અહીં સુધી કે હિતુભા ફરાર થયા તેની ઘણી ક્ષણો બાદ પોલીસે પીછો કરવાની તજવીજ હાથ ધરી.

કાલીકા પ્લોટમાં રહેતા મુસ્તાક મીરના ભાઈ આરીફ મીર ઉપર ભાડૂતી માણસો મોકલાવીને હિતુભા ઝાલા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બનાવમાં અમદાવાદ એટીએસ દ્વારા હિતુભાની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સાબરમતી જેલમાં રહેલા આરોપી ઝાલાને બે દિવસ પહેલા મોરબી લઈને જાપ્તો અવાતો હતો ત્યારે ધ્રાંગધ્રા પાસે ઓનેસ્ટ હોટેલથી પોલીસ જાપ્તામાંથી હિતુભા ફરાર થઈ ગયો હતો. આથી પીએસઆઈ, કોન્સ્ટેબલ, હિતુભા સહીત કુલ મળીને સાત શખ્સોની સામે ગુનો નોંધાયો હતો. જે કેસમાં હાલમાં પીએસઆઈ સહિતના ચાર પોલીસ કર્મચારી અને જે ગાડીમાં હિતુભા ભાગી ગયો હતો. તે ગાડીના ડ્રાઈવરની ગાડી સાથે ધરપકડ કરાઈ હતી. જો કે, હિતુભા હજુ પોલીસના હાથે ચઢ્યો નથી, તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

હાલમાં નરોડાના પીએસઆઇ હર્ષપાલસિંહ રાજેન્દ્રસિંહ જેનાવત, હેડ કોન્સ્ટેબલ રાજુભાઇ ગણપતભાઇ બારીયા, દિલીપભાઇ બુટાભાઇઓ જાદવ, ગજેન્દ્રસિંહ ભીખુભા, હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા તેમજ ફોર્ચ્યુનર કાર જીજે ૧૮ બીજી ૬૦૯૩ના ચાલક અને તેની સાથે બેસેલ અન્ય એક વ્યક્તિ એમ કુલ સાત શખ્સની સામે ગુનો નોંધાયો છે જેમાંથી હાલમાં પીએસઆઇ હર્ષપાલસિંહ જેનાવત, રાજુભાઇ બારીયા, દિલીપભાઇ જાદવ અને ગજેન્દ્રસિંહ ભીખુભાની ધરપકડ કરવામાં આવી છે.

હિતુભાની શોધખોળ દરમિયાન મોરબી નજીકના શકત શનાળા ગામે હિતુભા ઝાલાના ઘરે મોરબી એ.ડીવી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હિતુભા તો ઘરમાંથી મળ્યો નહીં પણ તેના ઘરમાંથી 18 જીવતા કારતુસ મળી આવ્યા હતા. જેથી કરીને હિતુભાના બે ભાઈ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને સુરેન્દ્રસિંહ ઝાલા ઉપર આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને તેમને પણ પકડવા માટે તજવીજ ચાલુ કરી છે.

સુરેન્દ્રનગરના એસપી મહેન્દ્ર બગડીયાએ જણાવ્યું હતું કે હિતુભાની ફરારની ઘટનામાં તેમની સાથે રહેલા પીએસઆઇ અને પોલીસ કર્મીઓ પર પણ કાવતરા અને ફરજ બેદરકારીનો ગુનો નોંધી તેમની ધરપકડ કરાઈ છે. જ્યારે હિતુભા જે સફેદ કલરની ફોર્ચ્યુનર કારમાં ફરાર થયો હતો તે કાર વઢવાણ બાયપાસ પાસેથી ઝડપાઇ ગઈ છે અને કાર ચલાવતા ડ્રાયવર મોહિત મહેન્દ્રભાઈ જોશીની ધરપકડ કરાઈ છે. જોકે કારમાંથી હિતુભા મળ્યો નથી.

પોલીસના જણાવ્યા મુજબ ફરાર થયા બાદ સફેદ ફોર્ચ્યુનર કારમાંથી ઉતરી હિતુભા બ્લેક કલરની ફોર્ચ્યુનર કારમાં કચ્છ તરફ ભાગ્યાની વિગતો મળી છે. આ કાર ચાલક મૂળ હળવદનો અને હાલ ગાંધીનગર રહેતો હોવાનું સામે આવ્યું છે.