મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ મોરબીમાં મામા-ભાણેજનો બાઈક અકસ્માત થતાં ભાણેજનું મોત નિપજતાં પરિવારજનો ગમગીન બની ગયા છે. પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. તેઓ પંચાસર પાસેના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રોડ પર અચાનક રોઝડું આડું આવી ગયું હતું. જેના કારણે બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. જેમાં તેઓ બંને ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે ખસેડાયા હતા ત્યારે ફરજ પરના તબીબે ભાણેજને મૃત જાહેર કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર રોઝડું વચ્ચે આવી જતાં મોરબીના પંચાસર રોડ પરના મામાપીરના મંદિર પાસે બાઈક સ્લીપ થઈ જતાં બાઈક ચાલક 42 વર્ષિય દિનેશ ચનાભાઈ પરમાર (રહે. શનાળા રોડ) અને 35 વર્ષિય મુકેશ ચનાભાઈ પરમાર અને તેમનો ભાણેજ રમેશ શામજી પરમાર (ઉં.વ 35, રહે. મોરબી વણકરવાસ)ને ગંભીર ઈજાઓ થવા પામી હતી.

ગંભીર રીતે ઘવાયેલા બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ચાલુ સારવારે જ રમેશ પરમારનું મોત થયું હતું. મુકેશભાઈએ કહ્યું કે તેઓ કડિયા કામ કરે છે અને કામ કરીને પરત ફરી રહ્યા હતા આ દરમિયાન બાઈક સ્લિપ ખાઈ ગયું હતું. મૃતક રમેશ એક ભાઈ એક બહેનમાં નાનો હતો અને તેને એક દિકરો તથા એક દીકરી છે. તેના એકાએક મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી હતી. પોલીસે ઘટનાની વધુ તપાસ કરી હતી.