રોહન રાંકજા (મેરાન્યૂઝ.મોરબી): મોરબીની એન્જિનીયરીંગ કોલેજના પ્રોફેસરે તે જ કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા ફાઈનલ યરના સ્ટુડન્ટને રૂમ ખાલી કરી નાખવાનું કહ્યું હતું વિધાર્થીએ પોતે એ રૂમમાં રહેતો હોવાનું જણાવતા પ્રોફેસરે છાત્રને “તું કેમ પાસ થઈને નીકળે છે એ હું જોવું છું” અને “આ મારી ખુલ્લી ધમકી છે” એમ ધમકી આપતા છાત્રોમાં પ્રોફેસર વિરુદ્ધ રોષ વ્યાપી ગયો છે 

મોરબીની લખધીરસિંહજી એન્જિનીયરીંગ કોલેજમાં ઇન્ડસ્ટ્રીઅલ એન્જિનીયરીંગના સાતમાં સેમેસ્ટરમાં જૈમીન ગોહિલ નામનો વિધાર્થી અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થી રાજકોટનો હોવાથી કોલેજની જ ન્યુ હિલ હોસ્ટેલમાં તેને ફાળવવામાં આવેલા રૂમમાં રહે છે. ગત રાત્રીના આ જ કોલેજના સિવિલ એન્જિનીયરીંગ વિભાગના પ્રોફેસર કે.એફ. ભેટારિયા હોસ્ટેલના વોર્ડન સાથે આ વિદ્યાર્થીના રૂમ પર આવ્યા હતા અને જૈમીનને આ રૂમ કાલ સવાર સુધીમાં ખાલી કરી દેવાનું કહ્યું હતું, પરંતુ જૈમિને આ રૂમમાં લીગલી રહેતો હોવાથી ખાલી કરવાની ના પાડતા પ્રોફેસરે વિદ્યાર્થીના રૂમમાંથી મ્યુઝીક સીસ્ટમ ઉઠાવી લીધી હતી અને નાપાસ કરવાની ધમકી આપી હતી. 

જો કે બનાવ પાછળ બીજી ઘટના જવાબદાર હોવાનું છાત્રો જણાવે છે. જે મુજબ એલ.ઈ. કોલેજમાં અભ્યાસ કરતા કેટલાક છાત્રોને એક વર્ષના અભ્યાસ બાદ પણ હોસ્ટેલ કે રૂમની ફાળવણી થઈ નથી. જેના કારણે સીનીયર વિદ્યાર્થીઓ મદદ કરવાના આશયથી આવા વિદ્યાર્થીઓને પોતાના રૂમમાં રહેવા દે છે. આ છાત્રો હોસ્ટેલ મેન્ટેનન્સ ચાર્જ પણ આપે છે, પરંતુ એક સપ્તાહ પહેલા પ્રોફેસર કે. એફ. ભેટારિયા રાત્રીના દોઢ વાગ્યાના સુમારે પોતાના ઓળખીતા કોન્સ્ટેબલ તથા જીઆરડી જવાન સાથે હોસ્ટેલ પર ગયા હતા અને જે છાત્રોને રૂમ મળી નથી તેવા છાત્રોને “તમે લીગલી રહેતા નથી” તેમ જણાવી તેમનો સામાન જપ્ત કરી લીધો હતો. વધુ મધરાતે પોલીસ મથકે લઇ ગયા હતા પરંતુ બીજા દીવસે સવારે આ વિદ્યાર્થીઓની પરિક્ષા હોય અને તેમને કોઈ ગુનો કર્યો ન હોવાથી વહેલી સવારે પોલીસે છાત્રોને છોડી દીધા હતા.

આ અંગે છાત્રોએ કલેકટર, એસ.પી., તથા કોલેજના પ્રિન્સીપાલને લેખિત રજૂઆત કરતા પ્રોફેસર ભેટારિયા વધુ ગુસ્સે ભરાયા હતા અને ગત રાત્રે ફરી હોસ્ટેલ પર આવી છાત્રોને ધમકાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સરકારી ઈજનેરી કોલેજ ત્યાં જ ભણતા છાત્રોને એક વર્ષ જેટલા સમય બાદ પણ હોસ્ટેલ ફાળવી શકતી નથી અને જ્યારે સીનીયર વિદ્યાર્થીઓ તેમના જુનિયરને રહેવા માટે મદદ કરે ત્યારે હોદ્દાના કેફમાં પ્રોફેસર નાપાસ કરવાની ધમકી આપે છે. એનો ઓડીયો અહીં પ્રસતુત છે.