મેરાન્યૂઝ નેટવર્ક.મોરબી: તાજેતરમાં સિવિલ હોસ્પિટલનાં અણઘડ વહીવટને લઈને અનેક આક્ષેઓ થયા હતા. જેને લઈ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ અન્ય અધિકારીઓ પણ દોડી ગયા હતા. દરમિયાન સિવીલ હોસ્પિટલ સંકુલમાં ઉપસ્થિત ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ, મોરબીના જિલ્લા કલેકટર જે બી પટેલ ઉપર જાહેરમાં જ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો. અને કહ્યું હતું કે, તમે રૂપિયા ખાવ છો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.

જો કે ઘટનાને લઈ મોરબી સિવીલ હોસ્પિટલ સંકુલમાં છાનેખુણે ચર્ચા થતી હતી કે, મોરબીનાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય વચ્ચેની રાજકીય લડાઈમાં સરકારી અધિકારીઓ સુડી વચ્ચે સોપારી બની ગયા છે. અને પોતાનું વર્ચસ્વ દેખાડવા તેમજ પ્રજામાં પોતાનો માન મરતબો યથાવત રાખવા માટે જ અધિકારીઓ ઉપર જાહેરમાં આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.


 

 

 

 

 

જો કે કલેક્ટર ઉપર આક્ષેપ કરતા ધારાસભ્ય ભૂલી ગયા કે, ગુજરાતમાં હાલ ભાજપની સરકાર છે. આ સરકાર સરાજાહેર કહેતી આવી છે કે અમારી સરકાર ભ્રષ્ટાચાર વિહીન સરકાર છે. જો સરકાર ભ્રષ્ટાચાર વિહીન હોય તો, ભાજપની સરકારે પોતાના જ પૂર્વ ધારાસભ્યે કરેલા આક્ષેપને સાચો ગણી કલેકટર સામે શિક્ષાત્મક પગલા ભરવા જોઈએ. અથવા જાહેરમાં આવું કહેનાર પૂર્વ ધારાસભ્ય સામે શિક્ષાત્મક પગલા લેવા જોઈએ.