મેરાન્યૂઝ નેટવર્ક.મોરબી : કોરોનાની વિસ્ફોટક સ્થિતિને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે દોડી આવ્યા હતા. અહીં સ્થાનિક અધિકારીઓ સાથે વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી તાબડતોબ 48 કલાકમાં જ મોરબીમાં કોરોના ટેસ્ટિંગ લેબોરેટરી ઉભી કરવાનો નિર્ણય લીધો છે. તેમજ જિલ્લાના તમામ પીએચસી - સીએસસી સેન્ટરની મદદથી 15-15 બેડની સુવિધા ઉપલબ્ધ કરી વધારાના 500 બેડ કોરોના માઈલ્ડ દર્દીઓ માટે ઉભા કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે.

મોરબીની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ,આરોગ્ય સચિવ જયંતિ રવિએ મોરબી પ્રભારી સચિવ મનીષા ચંદ્રા, સાંસદ કુંડારીયા, ધારાસભ્યો અને પાલિકા પ્રમુખ, કલેકટર, અધિક કલેક્ટર, આઈજી, એસપી સહિત 19 જેટલા અધિકારી-પદાધિકારીઓ સાથે બેઠક યોજી પ્રવર્તમાન સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. આ બેઠક બાદ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં અનેકવિધ જાહેરાત કરી હતી. જેમાં સૌથી અગત્યની બાબત રૂપે આગામી 48 કલાકમાં જ મોરબીમાં કોરોના ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને અન્ય સ્ટાફની અછત દૂર કરવા ઉપરાંત સાંજ સુધીમાં જ તબીબી ટીમ મોકલવા સરકારે નિર્ણય કર્યો હોવાનું જાહેર કર્યું છે. 

આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, સરકાર કોઈ આંકડા છુપાવતી નથી. હાલમાં ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને ટ્રેસીંગ એમ ત્રણ ટી ઉપર કામ ચાલી રહ્યું છે. મોરબીમાં હાલમાં ખાનગી અને સિવિલ હોસ્પિટલ મળી કુલ 900 બેડની સુવિધા ઉપલબ્ધ હોવાનું તેમજ કોરોના ટ્રીટમેન્ટ માટે નાના કલીનીકો અને નાની હોસ્પિટલને પણ મંજૂરી આપવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. સાથે-સાથે મોરબીમાં પાટીદાર કોવિડ કેર સેન્ટર જેવી સેવાકીય સંસ્થાઓને બિરદાવી હતી.