મેરાન્યૂઝ નેટવર્ક,મોરબી: મોરબીમાં એક સીરામીક એકમે આતંકી હુમલાના વિરોધમાં વિચિત્ર રીતે રોષ પ્રગટ કર્યો છે. આ સીરામીક એકમ દ્વારા પાકિસ્તાન મુર્દાબાદ લખેલી ટાઇલ્સ બનાવવામાં આવી છે. અને આ ટાઇલ્સ જાહેર શૌચાલયોમા લગાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

તાજેતરમાં કાશ્મીરના પુલવામાં ખાતે આતંકીએ આત્મઘાતી હુમલો કરતા સૈન્યના ૪૪ જવાનો શહીદ થયા હતા. આ ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે. ઠેર ઠેર પાકિસ્તાનના વિરોધમાં અવનવા કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબીના એક સીરામીક એકમે એક વિચિત્ર અને સરાહનીય પગલું ભર્યું છે. મોરબીના નેશનલ હાઇવે પર આવેલ સક્સેના સીરામીક એકમ દ્વારા પાકિસ્તાન સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. આ સીરામીક એકમે તેના ઝંડામાં પાકિસ્તાન મુર્દાબાદ લખેલું હોય તેવી ટાઇલ્સ બનાવી છે. આ ટાઇલ્સ સીરામીક એકમ દ્વારા જાહેર શૌચાલયમાં વિનામૂલ્યે લગાવવામાં આવનાર છે. આમ સીરામીક એકમ દ્વારા અનોખી રીતે રોષ પ્રગટ કરવામાં આવી રહ્યો છે.

આ અંગે સક્સેના ટાઇલ્સના માલીકૅ જણાવ્યું કે તેઓએ હાલ ૨૫ બોક્સ ટાઇલ્સ તૈયાર કર્યાં છે. આ ટાઇલ્સને તેઓ પોતાના ખર્ચે જાહેર શૌચાલયોમાં મુકાવશે. હજુ જરૂર પડ્યે વધુ ટાઇલ્સ પણ તેઓ બનાવશે તેમ અંતમાં જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સીરામીક ઉધોગકારોએ શહીદો માટે સહાયની ગંગા વ્હેડાવી છે.તો બીજી તરફ પાકિસ્તાન પ્રત્યે સમગ્ર દેશની માફક મોરબીના ઉધોગકારોનૉ ગુસ્સો પણ સાતમા આસમને છે.જેના પરિણામે રૂપે મોરબીના 1000થી વધુ વાહનોમાં "પાકિસ્તાન મુર્દાબાદ"લખેલા બેનર ચીપકાવવામાં આવ્યા હતા.