મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ કોઇના પ્રત્યે માનવતા દાખવવી ભૂલ છે? સ્વભાવીક રીતે જવાબ 'ના' માં જ મળે.  આવું જ કંઇક મોરબી હત્યા કેસના આરોપી હિતુભા ઝાલાની ભાગવાની સ્ટોરીમાં બન્યું છે. આ અંગેની ઇનસાઇડ સ્ટોરી અહીંયા પ્રસ્તુત કરું છું.

નરોડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ. આર. જેતાવતને પોલીસ જાપ્તાનો બંદોબસ્ત સોંપવામાં આવ્યો હતો. જેથી તેઓ 14મીએ જેલ પર પહોંચ્યા હતા. ત્યારે તેમને હિતુભા ઝાલા નામના આરોપીને આર્મસ એક્ટના ગુનામાં મોરબી કોર્ટમાં લઇ જવાની ફરજ સોંપવામાં આવી હતી. આ સાથે જ તેમને ચાર હથિયારધારી પોલીસકર્મીઓને જાપ્તા પાર્ટી તરીકે સાથે મોકલવામાં આવ્યા હતા. ત્યાં સુધી હિતુભા ઝાલા કેવો આરોપી છે અને તેના પર હત્યાનો આરોપ છે તે પીએસઆઇ જેતાવતને ખબર ન હતી. તેઓ પોલીસવાનમાં જાપ્તા સાથે હિતુને લઇ નિકળ્યા હતા. 
વાહન રસ્તામાં આગળ ચાલી રહ્યું હતું ત્યારે જ જીતુએ પીએસઆઇને પોતાના ઓળખીતા વિશે માહિતી આપવાની શરૂઆત કરી હતી. જેમાં જીતુએ એક પોલીસ અધિકારીનું નામ પણ આપ્યું હતું. જેતાવત દરબાર હતા અને જેમનું નામ આપ્યું હતું તે વ્યક્તિનો દરજ્જો તેમના મનમાં ગુરું જેવો હતો. જેથી જેતાવતને હિતુ પ્રત્યે થોડી લાગણી થઇ હતી અને ત્યારબાદ હિતુએ બીજા કેટલાક લોકોના નામ પણ આપ્યા હતા. રસ્તામાં જતા જીતુ પોલીસ સાથે અલક મલકની વાતો કરી તેમને ઇમ્પ્રેસ કરી રહ્યો હતો. આ દરમિયાન ગાડી ધાંગ્રધા પાસે પહોંચી હતી, ત્યારે જ એક પોલીસ કર્મચારીને લઘુ શંકા કરવા જવું હતું. જેથી તેને રજૂઆત કરી હતી. ઉપરાંત તેણે પીએસઆઇ જેતાવતને કહ્યું હતું કે, ડાયબીટીસની બીમારી છે તેથી વારંવાર જવું પડે છે. 

જેથી પીએસઆઇએ ગાડીને હોટલ હોનેસ્ટ પાસે ઉભી રાખી હતી. જ્યાં પોલીસકર્મી સહિત ચારે સાથે લઘુશંકા જવા નીચે ઉતર્યા હતા. પરંતુ પીએસઆઇ ગાડીમાં જ બેસી રહ્યાં હતા. તેમને એવું હતું કે, લઘુશંકા બાદ તમામ સાથે ઉપર આવી જશે. પરંતુ થોડી વાર ન આવતા તેમને ગાડીમાંથી જ જોયું તો તેઓ નાસ્તો કરી રહ્યાં હતાં. મનમાં પીએસઆઇને થયું કે બધાને બોલાવી લઉં પરંતુ જમતા જમતા ઉભા ન કરાય તેવી લાગણીથી તેમને કોઇને બોલાવ્યા નહીં. આ દરમિયાન હિતુ બહાર આવ્યો હતો અને એક ગાડી પાસે ઉભો રહ્યો (જે ગાડીમાં ભાગ્યો તે) ત્યારે તેને પોલીસકર્મીએ બુમ પાડી પરંતુ તેણે હાથ ઝુલાવી આવું કહ્યું. પોલીસ સાથે સારી સારી વાતો કેળવી જીતુએ વિશ્વાસ કેળવ્યો હોવાથી તે ભાગી જશે તેવું પોલીસને સહેજ પણ વિચાર ન હતો. 

બીજી તરફ પીએસઆઇ જેતાવતને એક અધિકારીનો ફોન આવ્યો હતો અને તેમની પાસે આઇપીસી 324ના ગુનાની તપાસ હતી તે  આરોપીને પકડ્યો કે નહીં? તેવી પુચ્છા અધિકારીએ કરી હતી. જેથી જેતાવત ફોનમાં થોડા વ્યસ્ત હતા અને પોલીસના ગ્રૃપમાં આવેલી આરોપીની માહિતી વાંચી રહ્યાં હતાં. આ દરમિયાન ગાડીના ટાયર ઘસાવાનો અવાજ આવ્યો અને આરોપી ત્યાંથી પલાયન થઇ ગયો. જેથી પીએસઆઇ જેતાવતે બુમા બુમ કરી અને ગાડી પાછળ લઇ તેઓ ગયા પરંતુ ત્યાં સુધી આરોપી નિકળી ગયો હતો. 

આખીય ઘટનામાં પીએસઆઇ સહિત પોલીસકર્મીઓની ધરપકડ થઇ અને વિવિધ આક્ષેપો પણ થયા પરંતુ અહીં પ્રશ્નો એ ઉપસ્થિત થાય છે કે, જો પોલીસને આરોપીને ભગાડવો જ હોત તો સારી હોટલ કે જ્યાં સીસીટીવી છે ત્યાં કેમ લઇને આવત?, જે અધિકારીને પોલીસની ફરજ અદા કરતા ફક્ત બે વર્ષ થયા છે તે અધિકારી પૈસા લઇ પોતાની સરકારી નોકરી જોખમમાં મુકે?, આરોપીને ભાગવા જ દેવો હતો તો પોલીસ તેમની પાછળ કેમ ભાગી? સ્થાનિક પોલીસને કેમ તાત્કાલીક જાણ કરી? પોલીસ માને છે કે, હિતુની કહાનીમાં તેઓ ભોળવાઇ ગયા અને તેને થોડી છુટ આપી તેથી તે ભાગી ગયો. બીજી તરફ કોઇના પ્રત્યે માનવતા દાખવવી ભૂલ છે? આ પ્રશ્ન પીએસઆઇ એચ.આર.જેતાવતને સતાવી રહ્યો છે. જે પણ થયું તેમાં કોની કેટલી ભૂલ તે તો તપાસનો વિષય છે. 

(પત્રકાર મયુર જોશી  સાથે પીઍસઆઇએ કરેલી વાતચીત આધારે)