મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ અણિચારી ચોકડી પાસે ગત રજો એક ભયાનક દૂર્ઘટના બની હતી. જેમાં ટર્ન લેતી વખતે લોડેડ કન્ટેનર કાર પર જ પલ્ટી ખાઈ ગયું હતું. કાર સાવ ચપટી થઈ ગઈ હતી અને કારમાં સવાર ત્રણેય લોકો ચગદાઈ ગયા હતા. તે તમામનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. આ ઘટના પછી ક્રેનનું કન્ટેનર હટાવ્યા પછી બધાના મૃતદેહ કારને કાપીને બહાર કઢાયા હતા જોકે તેને કાચા હૃદયના લોકો જોઈ પણ શકે નહીં તેવી હાલત હતી. પોલીસે ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. જોકે સીસીટીવી જોતાં કાર ચાલકને જાણે તેની જ ભૂલ નડી ગઈ હોય તેવું નજરે પડી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના અણિચારી ચોકડી પાસે બની હતી. ખાખરેચી ગામની તરફથી આવી રહેલી એક કાર કન્ટેનરની સામેથી રોડ ક્રોસ કરી રહી હતી. આ દમિયાન સામેથી રોડ પર એક કન્ટેનર તેની સ્પીડમાં આવી રહ્યું હતું. જોકે કાર ધીમી હોઈ કદાચ કન્ટેનર ચાલકને લાગ્યું હશે કે તે રોડ ક્રોસ નહીં કરે પણ કાર ચાલક એક્સેલેટર દબાવે છે અને રોડની અડધે જઈ ઊભો રહી જાય છે. આ જોઈને કન્ટેનર ચાલક તેને બચાવવા અચાનક કન્ટેનરને થોડું ટર્ન કરે છે પરંતુ સ્પીડ અને વજનને કારણે પછી કન્ટેનર ચાલકના હાથમાં રહેતું નથી.

કન્ટેનર ઉથલી પડે છે અને તે પણ સીધું કારની ઉપર, જેને કારણે અંદર બેસેલાઓના ચગદાઈનો મોત નિપજે છે. તેમના મૃતદેહોએ અરેરાટી વ્યાપી દીધી હતી. સ્થાનીક લોકોએ કહ્યું કે, અકસ્માત એટલો ભયાનક હતો કે કોઈ મદદ કરી શકે તેમ જ ન્હોતું. કન્ટેનરને ફક્ત ક્રેનની મદદથી જ હટાવી શકાય તેમ હતું. સ્થળ પર પહોંચવામાં ક્રેનને અડધોકલાક થઈ ગયો હતો. જે પછી કન્ટેનર કારની ઉપરથી હટાવી શકાયું હતું. સ્થળ પર તમામના મોત થઈ ચુક્યા હતા. તેમની ઓળખ મોરબી જિલ્લાના નિવાસી નિલેશભાઈ ચાડમિયા, બેચરભાઈ ચાડમિયા અને ખાખરેચી ગામના રહેનારા ગૌતમ સંતોકીના રુપે થઈ છે. ઘટનાની જાણકારી મળતાં પોલીસ પણ આવી ગઈ હતી અને મૃતકોના પરિજનોને જાણકારી આપીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી. અહીં આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જે રજુ કરવામાં આવ્યા છે.