મેરાન્યૂઝ નેટવર્ક, શામળાજી: અરવલ્લી જીલ્લાની ગિરિમાળાઓથી આચ્છાદિત  સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે દર પૂનમે ભક્તોનું ઘોડાપુર ઉમટી મંદિરમાં બિરાજમાન કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવે છે. વૈશાખી પૂનમે કથાકાર મોરારી બાપુ શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મોરારી બાપુને શામળાજી મંદિર પરિસરમાં નિહાળતા ભક્તોએ મોરારીબાપુના આશીર્વાદ લીધા હતા.

કથાકાર મોરારી બાપુ રાજસ્થાનમાં કથા કરવા જતા પહેલા શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના દર્શન કરવા પહોંચતા શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી સ્વાગત કરી આવકાર્યા હતા. મોરારીબાપુ દર્શન કરી થોડો સમય પરિસરમાં રોકાણ કરી રાજસ્થાન જવા રવાના થયા હતા.

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં વૈશાખી પૂનમે ભગવાન શામળિયાના દર્શન કરવા જીલ્લા સહીત આજુબાજુના જીલ્લાના અને રાજસ્થાન, મધ્યપ્રદેશ સહીત મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવાર થી ઉમટ્યા હતા અને ભગવાન કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.  વૈશાખી પૂનમે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. મોડાસા તાલુકાના પૌરાણિક મીની અંબાજી તરીકે જાણીતા ઈટાડી ગામે આવેલા અંબાજી મંદિરમાં વૈશાખી પૂનમે ભાવિ ભક્તો ઉમટી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.