મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગર : રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્ધારા રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આરબીઆઈ એ રેપો રેટ ૬.૫૦ ટકાથી ઘટાડીને ૬.૨૫ ટકા કરતા મોટાભાગની લોન સસ્તી થશે. આરબીઆઈ દ્ધ્રારા ૧૭ મહિના પછી રેપો રેટમાં કરાયેલા ઘટાડાના કારણે રૂપિયા ૨૦ લાખની લોનમાં ૩૨૦ તેમજ રૂપિયા ૩૦ લાખની લોનમાં ૪૮૦ રૂપિયા જેટલો ગ્રાહકોને ફાયદો થશે. 

આરબીઆઈની મોનીટરી પોલીસીની આજે મળેલી બેઠક પછી નવા વ્યાજ દરની જાહેરાત કરવામાં આવી છે. ચાલુ નાણાંકીય વર્ષમાં આરબીઆઈની આ છઠ્ઠી સમિક્ષા બેઠક નવા ગવર્નર શક્તીકાંત દાસની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્ધારા રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આરબીઆઈ એ રેપો રેટ ૬.૫૦ ટકાથી ઘટાડીને ૬.૨૫ ટકા કરવામાં આવ્યો છે. આ બેઠકમાં આરબીઆઈની મોનીટરી પોલીસી કમિટીના તમામ ૬ સભ્યોએ વ્યાજ દરો સખ્તમાંથી ન્યુટ્રલ કરવા માટે મત આપ્યો હતો. જેના કારણે હવે પછી પણ વ્યાજ દરોમાં ઘટાડીની સંભાવના યથાવત રહેશે.  

આ ઉપરાંત આરબીઆઈ દ્ધારા આગામી ત્રિમાસિક માટે મોઘવારી દરનું અનુમાન ઘટાડીને ૨.૮ ટકા કર્યું છે. જયારે આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં પ્રથમ ૬ મહિનામાં મોઘવારી દર ૩.૨ થી ૩.૪ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જયારે આગામી વર્ષના ત્રીજા ત્રિમાસિક મોઘવારી દર વધીને ૩.૯ ટકા રહેવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. આરબીઆઈ દ્ધ્રારા રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરવા સાથે પોલીસી ન્યુટ્રલ રાખીને દેશના અર્થ તંત્રમાં રોકાણમાં પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવવામાં આવી છે. આ ઉપરાંત ખાસ કરીને હોમ લોનમાં ઈએમઆઈ ઘટવાના કારણે મકાનની ખરીદીમાં વધારો થવાની પણ શક્યતા છે.