ઉર્વીશ કોઠારી (મેરાન્યૂઝ. અમદાવાદ) : સીએએના વિરોધમાં સડક પર ઉતરેલા યુવાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મચિંતન કરવાથી માંડીને બીજી અનેક શીખામણો આપી ચૂક્યા છે. સીએએ-સમર્થકો તરફથી એવી દલીલ પણ થઈ રહી છે કે સંસદમાં પસાર થયેલા કાયદાને શી રીતે પડકારી શકાય?

આ સંદર્ભે નરેન્દ્ર મોદીએ લખેલું પહેલું પુસ્તક ‘સંઘર્ષમાં ગુજરાત’ સીએએના તરફી અને વિરોધી—બંને લોકોએ જોવા જેવું છે. તેમાંથી તેમને ઘણું માર્ગદર્શન અને દિશાદર્શન મળી રહે એમ છે. ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી સામે ગુજરાતની—અને મુખ્યત્વે આર.એસ.એસ.ની—લડતનું દસ્તાવેજીકરણ કરતું આ પુસ્તક સાધના પુસ્તક પ્રકાશન, અમદાવાદ દ્વારા જાન્યુઆરી, ૧૯૭૮માં પ્રગટ કરવામાં આવ્યું હતું.

પુસ્તકના અસ્તર પર, છેક આગળ અને છેક પાછળના ભાગમાં, કેસરી રંગમાં આ પ્રમાણેનું લખાણ મૂકવામાં આવ્યું છેઃ

इतिहास गवाह है

राजमहलों और संसदोने

इतिहास नहीं बनाया है

संसद पर दस्तक

देनेवालोंने

संसद भी बनाया है

इतिहास भी बनाया है

આ પુસ્તકમાં ૨૧ નવેમ્બર, ૧૯૭૬ના રોજ અમદાવાદમાં યોજાનારા એક યુવા સંમેલનનો ઉલ્લેખ છે. પુસ્તકના લેખક નરેન્દ્ર મોદી તે વખતે ભૂગર્ભવાસ સેવતા ૨૬ વર્ષના યુવા કાર્યકર હતા. તેમણે પુસ્તકમાં નોંધ્યું છે કે ‘૨૧મી નવેમ્બરની સવારે જ સંમેલન ભરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. યોજકોએ પણ આબાદ રીતે સરકારને ગફલતમાં નાખી સરકારે જાહેર કરેલ પ્રતિબંધિત વિસ્તાર બહાર બારેજડીમાં સંમેલન ભરવાનો નિર્ણય કર્યો.’ (સંઘર્ષમાં ગુજરાત, લે. નરેન્દ્ર મોદી, પૃ.૧૩૯-૧૪૦)

આ રીતે બારેજડીમાં ભરાયેલા સંમેલનમાં કટોકટી પછી તાજા ભૂતપૂર્વ બનેલા મુખ્ય મંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ અને સ્વતંત્રતા પક્ષના સાંસદ પીલુ મોદી હાજર રહ્યા હતા. તેમની હાજરીમાં ‘આ પુસ્તકના લેખકે પાઠવેલ સંદેશાનું વાચન પણ થયું અને સેંકડો પોલીસોની હાજરીમાં સંઘના કાર્યકર્તાઓ શ્રી પ્રફુલ્લ રાવલ અને શ્રી બિપિનભાઈ શાહે આ સંદેશો યુવાનોને વહેંચ્યો. આ સંદેશો યુવાનોને બગાવતનું આવાહન કરતો હતો.’ (સંઘર્ષમાં ગુજરાત, પૃ.૧૩૯)

યુવાનોને બગાવતનું આવાહન કરતો નરેન્દ્ર મોદીનો એ સંદેશો શબ્દશઃ આ પ્રમાણે હતોઃ

યુવાનો!

આપ ભારતમાતાના લાડીલા છો, ભાવિ ભારતના આશા-અંકુર છો. વિશ્વવિજયી ભારતમાતાનાં સંતાનો, વિચારો! આજે આપણને કઈ દિશામાં ધકેલવામાં આવી રહ્યા છે? આપનું ભવિષ્ય શું છે? અને જો આજે નહીં ચેતો તો કાલે તમારે કોનો અને કઈ પરિસ્થિતિનો સામનો કરવાનો છે તેનો પણ વિચાર કરી લેજો.,

આપ ભાવિ ભારતના કર્ણધાર છો, કારણ આજનો યુવાન કાલના સમાજનો અને દેશનો નેતા છે...તો પછી આજની સમસ્યાઓનું નિરાકરણ કરી રાષ્ટ્રને તેજસ્વી બનાવવાની જવાબદારી કોની છે? જવાબ સ્પષ્ટ છે—આપની.

આજે છળકપટો દ્વારા દેશને મૂંગો બનાવાઈ દેવાયો છે. આવતી કાલે આવી દાસતામાં કોને જીવવું પડશે? આપને જ. આજની ગરીબી, બેરોજગારી, અશિક્ષા, અનૈતિકતા, ભ્રષ્ટાચાર અને દમનની પરાકાષ્ટા કાલે કોને પરેશાન કરશે? આપને. આજે લોકશાહીને નષ્ટ કરી તાનાશાહીનો જે પથ પ્રશસ્ત કરવામાં આવી રહ્યો છે, કાલે તે પથ પર ઘેટાંબકરાંની જેમ કોને ચાલવું પડશે? આપને. આજે દેશમાં ચાલી રહેલ સ્વાતંત્ર્યની બીજી લડાઈમાં આપે આપનું ઉચિત યોગદાન ન આપ્યું તો આવતી કાલે લખાનારો ઈતિહાસ કોને ભાંડશે? આપને જ. એ શહીદોના રક્તની કિંમત આંકવામાં અસમર્થ લોકોની સૂચિમાં ઈતિહાસકાર કોનું નામ લખશે? આપનું.

યુવાનો! આપ હંમેશાં યાદ રાખો, આપની ભૂમિકા ઈતિહાસના લેખક કે પાઠકની નહીં, ઈતિહાસના નિર્માતાની છે. કાળપુરુષ પોતાના કાળપટ પર પ્રતિદિન ભાવ ઈતિહાસના અક્ષરો અંકિત કરે છે. તેને સામગ્રી પૂરું પાડવાનું કામ કોનું છે? આપનું.

આ દેશનો ઈતિહાસ સૂકી શાહી અને કલમથી લખાય કે ભારતીય તરુણોના હૃદયરક્તથી? બહેનોની રાખીની પવિત્રતાની અને સતીઓનાં સિંદુરથી? એનો નિર્ણય કોણ કરશે? આપ.

લોકશાહીના વિજય અને તાનાશાહીના પરાજય વચ્ચે માત્ર એક કદમનું અંતર રહી ગયું છે. તે કદમ આગળ ધપાવીને વિજયશ્રીને વરવાનું કામ કોનું છે? આપનું.

આજે અબળાની જેમ અસહાય બની ઊભેલી ભારતમાતાના બંદી લાડલાઓને મુક્ત કરવાનું પવિત્ર કાર્ય કોનું છે? આપનું. આટલું મોટું કર્તવ્ય, આટલો મોટો પડકાર, આટલા વ્યાપક અને અસહ્ય અત્યાચારો, આટલી બધી બેચેની અને વિવશતા વચ્ચે ઊભેલા આપ, ભારતમાતાના યુવાન સપૂતો! ભાવિ સુવર્ણકાળના તમે કલાકાર છો.

ક્યાંથી આપ સંઘર્ષનો શુભારંભ કરશો? વિરોધીઓને ઓળખી તેને અનુકૂળ શસ્ત્ર ઉઠાવવું જ પડશે, યુવાનો! અગર જો આપ આગળ નહીં આવો તો ભારતીય ક્રાંતિ દિશાભ્રષ્ટ થઈ જશે. અગર આપે આ પડકાર ન સ્વીકાર્યો તો આવતી કાલ તમને યુવાન માનવા તૈયાર નહીં થાય. કારણ સાચા યુવાનોએ તો યુગયુગથી જુલમનો સામનો કર્યો છે. યુવાનો કદીયે અત્યાચાર-અન્યાય સામે ઝૂક્યા નથી, રુક્યા નથી કે થાક્યા નથી.

તો પછી આજે મૌન કેમ છો? યૌવનની ઉજ્જવળ પરંપરામાં એક વધુ સુવર્ણકડી જોડવાની ઐતિહાસિક ક્ષણ આપના દ્વાર પર ટકોરા મારી રહી છે. ઊઠો, જાગો અને ભારતમાતાની આઝાદીની આ બીજી લડાઈમાં કૂદી પડો!

દોસ્તો! હમ સબ આઝાદીકે બાદકી પૈદાઈશ હૈ

ગુલામીમેં દમ તોડના હમેં મંજૂર નહીં, દમ લગાકર ગુલામી તોડના હમારા કામ હૈ...યહી યૌવન હૈ!

આપનો

યુવાન ભૂગર્ભસાથી

(સંઘર્ષમાં ગુજરાત, પૃ.૧૩૯-૧૪૦)