મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ લોકસભાની આગામી ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત પેકેજ આપી વોટ બેંક વધારવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વતન ગુજરાતને જ ૧૭૨૫ કરોડની માંગણી સામે માત્ર રૂપિયા ૧૨૭ કરોડ ફાળવીને હળહળતો અન્યાય કર્યો છે. મોદી સરકારે સમગ્ર દેશમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ રૂપિયા ૭૨૧૫ કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. 

કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણી ઉપરાંત બજેટ પહેલા જ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરી સહાયનો કોથળો ખુલ્લો મુક્યો છે. કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે કુલ રૂપિયા ૭૨૧૫ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહન સિંગે ટવીટર પર આ રાહત પેકેજની જાહેરાત કરી છે.

તેમણે જાહેર કરેલા આ પેકેજથી ખાસ કરીને મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત અને ઉત્તર પ્રદેશના અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને લાભ મળશે. મોદી સરકાર દ્ધારા સૌથી વધારે મહારાષ્ટ્ર માટે રૂપિયા ૪૭૧૪ કરોડનું રાહત પેકેજ ફાળવવામાં આવ્યું છે. જયારે કર્ણાટકને ૯૫૦, આંધ્ર પ્રદેશને ૯૦૦ કરોડ,હિમાચલ પ્રદેશને ૩૧૪ કરોડ અને ઉત્તર પ્રદેશને ૧૯૧ કરોડની સહાય જાહેર કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં અછત અને દુષ્કાળની પરિસ્થિતિ માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં સહાય માટે કુલ રૂપિયા ૧૭૨૫ કરોડની માંગણી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકાર દ્ધારા ગુજરાતની આ માંગણી સામે માત્ર ૭.૫ ટકા જ સહાય કરી રૂપિયા ૧૨૭ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે, નાના અને માધ્યમ ખેડૂતોની આવકમાં ઘટાડો થવાથી સર્જાયેલી મુશ્કેલી નિવારવા આ પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં અતિવૃષ્ટિ અને ત્યારબાદ વરસાદ ઓછો પડતા દુષ્કાળની પરિસ્થિતિ અનેક તાલુકાઓમાં પ્રવર્તી રહી છે. તેમાં રાજ્ય સરકારે ૯૬ જેટલા તાલુકાના ગામોને અછતગ્રસ્ત જાહેર કરી કેન્દ્ર પાસે આ સહાય માંગી હતી. પરંતુ મોદી સરકાર દ્ધારા ગુજરાતને માત્ર ૧૨૭ કરોડ ફાળવવામાં આવતા આર્થિક બેહાલીમાં ધકેલાયેલા ખેડૂતોની આર્થિક સ્થિતિ મુશ્કેલ બની રહેશે. જેમાં છેલ્લા ત્રણ મહિનાથી આત્મહત્યામાં થયેલો વધારો અટકાવવા રાજ્ય સરકારે તાકીદે પગલા ભરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે.