મેરાન્યૂઝ નવી દિલ્હીઃ ડુંગળીના આકાશને આંબી જતા ભાવોને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા રવિવારે તેની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે. તત્કાલ અસરથી પ્રતિબંધને પગલે દેશ ભરમાં તેની અસર થશે. સંગ્રહખોરોની ચાલાકીઓ કેન્દ્ર સરકારના આ નિર્ણયે ઉંધી પાડી દીધી છે. તેના માટે કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રાલય દ્વારા ડુંગળીની નિકાસ નીતિમાં આગામી આદેશ સુધી સંશોધન કર્યું છે. આ દરમિયાન દિલ્હી સરકારે મોબાઈલ વાનને પગલે 24 રૂપિયા કિલો વેચવાની શરૂ કરી દીધી છે. તે પહેલા કેન્દ્રીય ખાદ્ય મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું હતું કે કેન્દ્રના પાસે યોગ્ય માત્રામાં ડુંગળીનો સ્ટોક છે અને તે તેને વિવિધ રાજ્યોમાં મોકલશે, જેનાથી કિંમતો ઘટશે.

આગામી કેટલાક દિવસોમાં વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને પેટા ચૂંટણીઓ પણ થવા જઈ રહી છે જેને પગલે સરકારને આ વાતની ચિંતા થઈ રહી છે કે જો ડુંગળીની કિંમતો નિયંત્રણમાં ન આી તો તેના કારણે ઘણું ભોગવવું પડી શકે છે. તેથી સરકાર તેમાં કોઈ રિસ્ક લેવા માગતી નથી અને તેને જોતા ડુંગળીના તાત્કાલીક નિકાસ પર પ્રતિબંધ મુકાયો છે. ઈતિહાસ ગવાહ છે કે ડુંગળીની આસમાન આંબતી કિંમતોએ ઘણીવાર સત્તા પલટી નાખવામાં મોટી ભૂમિકા નિભાવી છે.

દિલ્હી મુખ્યમંત્રીએ વાનને રવાના કરતાં કહ્યું કે, બજારમાં 70થી 80 રૂપિયા પ્રતિ કિલોની ડુંગળી મળી રહી છે. સામાન્ય લોકોની પરેશાનીને દુર કરવા માટે દિલ્હી સરકારે 23.90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચવાનો નિર્ણય કર્યો છે. તમામ 70 વિધાનસભા વિસ્તારોમાં એક એક મોબાઈલ વાન મોકલવામાં આવશે. મહત્તમ એક વ્યક્તિને પાંચ કિલો ડુંગળી એક દિવસની મળશે.

ડુંગળી વેચવાનું કામ સવારે 10થી 5 વાગ્યા સુધી રહેશે. તે માટે કોઈ ઓળખ પત્રની જરૂર નથી. કોઈપણ વ્યક્તિ ડુંગળી ખરીદી શકે છે. સાથે જ 400 કરિયાણાની દુકાનોને નિર્ધારિત કરાઈ છે. તેનાથી એક વિધાનસભામાં પાંચ દુકાનો પર પણ આ ભાવે ડુંગળી મળશે. તેની સમય સમય પર સમીક્ષા પણ કરવામાં આવતી રહેશે. જો જરૂર પડશે તો દુકાનોની સંખ્યા વધારી દેવામાં આવશે અને ડુંગળીનો જથ્થો પણ વધારી દેવામાં આવશે.