મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અસામાજિક તત્વોને ખાખી વર્દીનો ખોફ જ ન હોય તેમ બેખોફ બની બિન્દાસ્ત દાદાગીરી અને ગુંડાગર્દી પર ઉતરી આવતા લોકો અસલામતી અનુભવી રહ્યા છે. જીલ્લા પોલીસવડા કચેરી સામે આવેલી ખાનગી હોસ્ટેલના રેક્ટર સાથે કૂતરું ભગાડવા જેવી સામાન્ય બાબતમાં ઝગડો કરી હોસ્ટલમાં દોડી જઈ રેક્ટર સાથે મારઝૂડ કરી એક શખ્શે વોશબેસીનની પાઈપ તોડી નાખી પાઈપ છેડે લાગેલ લોખંડ ના બોલ્ટ રેક્ટરના માથામાં અને શરીરના ભાગે ઝીંકી જીવલેણ હુમલો કરતા ચકચાર મચી હતી. સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. હોસ્ટેલ માલિક અને હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોડાસા ટાઉન પોલીસ ફરિયાદ લેવામાં આનાકાની કરી આરોપીઓને છાવરતી હોય તેમ ફરિયાદમાં આરોપીઓને ઓછા દર્શાવી આરોપીઓમાંથી ફરિયાદ નોંધાવતા સમયે ટાઉન પોલીસ સ્ટેશનમાં હાજર હોવા છતાં ધરપકડ ન  કરી હોવાની સાથે ટાઉન પીઆઈ ની ભૂમિકા સામે પણ પ્રશ્નાર્થ પેદા કર્યા હતા.

મોડાસાની એસપી કચેરી સામે આવેલી ખાનગી હોસ્ટેલમાં બે દિવસ અગાઉ હોસ્ટેલમાં રેક્ટર તરીકે ફરજ બજાવતા આનંદભાઈ નવીનભાઈ પટેલ હોસ્ટેલમાં ઘુસી ગયેલ કૂતરાને ભગાડવાનો    પ્રયત્ન કરતા નીચે ટોળું બનાવી બેઠેલા હિરેન ચૌધરી અને તેના મળતિયાઓએ રેક્ટર તેમને હટાવાનું કહેતો હોવાનું માની રેક્ટર પાછળ પાછળ હોસ્ટેલમાં પહોંચી ગુંડાગર્દી પર ઉતરી આવી આનંદ પટેલને માર મારી વોશબેશની પાઈપ વડે જીવલેણ હુમલો કરી “હું ધનસુરનો હિરેન ચૌધરી છું ધનસુરા-બાયડ કોર્ટમાં અનેક કેસ ચાલતા હોવાનું જણાવી પોલીસને જાણ કરી  છે તો તમને બધાને મારી નાખીશ જણાવી તેની સાથે અન્ય શખ્શો પણ રેક્ટર પર બેરહેમી પૂર્વક તૂટી પડ્યા હતા. હોસ્ટેલના છોકરાઓને પણ ધમકી આપી ફરાર થઈ ગયા હતા. મારામારી ના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. હોસ્ટેલના માલિક હોસ્ટેલમાં દોડી આવી ગંભીર ઈજાગ્રસ્ત રેક્ટરને સારવાર અર્થે દવાખાને ખસેડ્યો હતો. મારામારીની ઘટના અંગે હોસ્ટેલના અન્ય કર્મચારી મેરાજ દેસાઈએ મોડાસા ટાઉનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા હિરેન ચૌધરી સહીત અન્ય ૫ શખ્શો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.