મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ નાગરિકતા સંશોધન બિલ (સી.એ.એ) કાયદાનું સ્વરૂપ ધારણ કર્યા બાદ આ અંગે વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. કેટલીક શાળાઓએ શાળાના બાળકો વડાપ્રધાન મોદીને આભાર માનતા પત્રો લખાવતા વાલીઓમાં વિરોધના સુર ઉઠી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાની શ્રી.પી.એમ કોઠારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પાસે સીએએ કાયદા માટે વડાપ્રધાનને સંબોધન કરી 'થેન્ક યૂ પીએમ'ના પોસ્ટ કાર્ડ લખાવવામાં આવતા વાલીઓમાં ભારે નારાજગી સાથે રોષ ફેલાયો હતો અને સ્કૂલના ટ્રસ્ટીને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરતા  ટ્રસ્ટી મંડળે સીએએન સમર્થનમાં લખાવેલ પત્રો બાળી નાખવાની હૈયાધારણા આપી વિવાદને અંત લાવવા જણાવ્યું હતું.

મોડાસાના ટીંટોઈ ગામે આવેલી શ્રી.પી.એમ.કોઠારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે વડાપ્રધાન નરેન્દ્રમોદીને પોસ્ટ કરવા માટે સીએએનું સમર્થન કરવા પત્રો લખાવ્યા હતા જેમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખેલ પત્રમાં “હજ્જારો વર્ષની આપની પરમ્પરા શરણાગત વત્સલની છે શરણે આવેનું રક્ષણ કરવું આપનું કર્તવ્ય છે અને એ પરમ્પરા ભારત સરકારના સીએએ ના  કાયદાના અમલીકરણમાં દેખાય છે  ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિતશાહ ને ખુબ ખુબ અભિનંદન” લખવી વિદ્યાર્થીઓ પાસેથી લઇ લીધા હતા આ અંગેની જાણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને તથા લઘુમતી સમાજના લોકોને થતા ભારે વિરોધના સુર ઉઠ્યા હતા અને શાળામાં પહોંચી આ પ્રકારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે પત્રો લખાવવા કેટલા યોગ્ય...? ની ચર્ચાએ જોર પકડ્યું હતું.

ગુરુવારે શ્રી.પી.એમ.કોઠારી હાઈસ્કૂલમાં મોટી સંખ્યામાં વાલીઓએ પહોંચી સીએએના સમર્થનમાં લખાવેલ પત્રો અંગે હોબાળો મચાવી સ્કૂલના ટ્રસ્ટીઓને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી વિરોધ નોંધાવતા સ્કૂલના ટ્રસ્ટીઓએ સીએએના સમર્થનમાં લખાવેલ પત્ર બાળી નાખવામાં આવશેનું જણાવી ઉભા થયેલ વિવાદનો અંત લાવવા વાલીઓને અપીલ કરી હતી.