મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. દધાલિયા ગામે ગ્રામ પંચાયત દ્વારા સપ્તાહમાં એકવાર પાણી પૂરું પડાતા ગ્રામજનોની હાલત કફોડી બની છે. પાણીના બેડાં માટે મહિલાઓને રઝળપાટ થતો હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ દધાલિયા ગ્રામ પંચાયતમાં પહોંચી રણચંડી બની ઉપ સરપંચ સામે પાણી આપવા ઉગ્ર રજુઆત કરી હતી. શુક્રવારે ગ્રામસભામાં પણ ગ્રામજનોએ પાણીની વિકટ સમસ્યા અંગે જવાબદાર અધિકારી સામે રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાનું હલ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

દધાલિયા ગ્રામમાં કુવા, બોર, તળાવના તળ ઊંડે ઉતરતા અને એસકે-૨ યોજના હેઠળ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ન મળતા દધાલિયા ગામમાં ૬ દિવસે એક વાર પાણી ગ્રામ પંચાયત આપી રહી છે. વર્ષોથી પાણી વગર ટળવળતા ગ્રામજનોએ ગ્રામસભામાં સરકારી પ્રતિનિધિ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દિપક પંડ્યા સામે પણ પાણીના પ્રશ્ને રજૂઆત કરી હતી. તેમ છતાં પાણીની સમસ્યા યથાવત રહેતા અને ૫ દિવસથી પીવાના પાણીના એક એક ટીંપા માટે ઝંખતી મહિલાઓએ શુક્રવારે ગ્રામ પંચાયતમાં રણચંડી બની ઉપ-સરપંચ હિતેન્દ્ર પટેલ સામે ઉગ્ર રજૂઆત કરી પાણીની સમસ્યા દૂર કરવા ઉગ્ર રજુઆત કરતા ઉપ સરપંચે હૈયાધારણા આપતા મહિલાઓ શાંત પડી હતી.