મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં 2017 ની લોકસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડાસા એસટી ડેપોને આઈકોનિક બસ સ્ટેન્ડની જીલ્લાના પ્રજાજનો માટે ખુલ્લુ મુક્યું હતું. મોડાસા એસટી ડેપોને હંગામી ધોરણે સહકારી જીનના મેદાનમાં ખસેડવામાં આવ્યું છે. હંગામી બસ ડેપોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ તેમજ અપૂરતી સુવિધાઓથી મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પ્રજાજનો મોડાસામાં અત્યાધુનિક આઈકોનિક બસ સ્ટેન્ડનું કામકાજ ઝડપથી પૂર્ણ થાય તેવી લોક માંગ પ્રબળ બની છે, કારણ એ 2017નું હવે 2021 થયું.

Advertisement


 

 

 

 

 

મોડાસા હંગામી બસ સ્ટેન્ડમાં બસમાં બેસવા જતી મહિલાનું 20 હજાર રોકડ રકમ સહીત અગત્યના ડોક્યુમેન્ટ સાથેનું પર્સ ચોરાઈ જતા મહિલાએ ભારે હોબાળો કર્યો હતો, પરંતુ મહિલાની મદદે એસટી તંત્રનો એક પણ અધિકારી નહીં આવતા મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

મોડાસા હંગામી બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા અને લાઇટનો અનેક જગ્યાએ અભાવ હોવાથી ચોર,તસ્કર ટોળકી બેફામ બની મુસાફરોના કિંમતી માલસામાન અને પાકીટની ચીલઝડપ કરી રહી છે. મહિલાઓ અસલામતી અનુભવી રહી છે. વિવાદીત ભૂતકાળ ધરાવતા ડેપો મેનેજર સામે કોઈ મુસાફર બસ સ્ટેન્ડમાં પ્રાથમીક સુવિધા અંગે રજુઆત કરવા પહોંચે તો તેની યોગ્ય જવાબ આપતા ન હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. બસ સ્ટેન્ડમાં ખાનગી મુસાફરો ભરતા વાહનોનો અડીંગો જોવા મળી રહ્યો છે. બસ સ્ટેન્ડની અંદર બિન્દાસ્ત પ્રવેશી મુસાફરો લઇ જતા હોવાથી એસટી તંત્રની તિજોરીને વર્ષે દહાડે લાખ્ખો-કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.

મોડાસા એસટી ડેપોને હંગામી ધોરણે મેઘરજ રોડ પર આવેલા સહકારીજીનના મેદાનમાં ખસેડાતા હંગામી બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ હોવાથી મુસાફરો તોબા પોકારી ઉઠ્યા છે. મુસાફરો અને જિલ્લા વાસીઓ દ્વારા મોડાસાના હંગામી બસ સ્ટેન્ડમાં સુવિધાઓ પુરી પાડવામાં આવેની માંગ સાથે નવા આઈકોનિક બસ સ્ટેન્ડનું કામકાજનો ઝડપથી પ્રારંભ કરવામાં આવે અને ઝડપથી પૂર્ણ થાય તથા મોડાસા શહેર સહીત જિલ્લાનો વિકાસ વેગવંતો બને તેવું લોકો ઈચ્છે છે.