મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે રાજ્ય સરકારે આખા ગુજરાતને ૩૧મી માર્ચ સુધી સંપૂર્ણ રીતે લોકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. તેમ છતાં ગુજરાતમાં ચિંતાનો માહોલ હજુ ઘટ્યો નથી. હજુ તેની અમલવારી પણ એટલી જ જરૂરી છે. આરોગ્ય કર્મચારીઓ જીવન જોખમે સેવાઓ આપી રહ્યા છે. અરવલ્લી જીલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બની મોડાસા શહેર સહીત ગ્રામ્ય વિસ્તરોમાં સર્વેની કામગીરી હાથધરી છે મોડાસા શહેરના ઇન્દિરા નગર વિસ્તારમાં સર્વેની કામગીરી કરતી મહિલા આરોગ્ય કર્મચારીઓ પર સ્થાનિક મહિલા કોર્પોરેટર ફરીદાબેન શેખે ઝપાઝપી કરી સર્વેના ફોર્મ પણ છીનવી લેતા વિવાદ સર્જાયો હતો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. દબંગાઈ કરતી મહિલા કોર્પોરેટર સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં કોરોના વાયરસને લઈને સર્વેની કામગીરી હાથધરવામાં આવી છે. મોડાસા શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલા ઈન્દીરાનગર વિસ્તાર અને રાઠોડ ફળીમાં આરોગ્ય વિભાગની મહિલા કર્મચારી દિપીકાબેન પંડ્યા આશાવર્કર સાથે સર્વેની કામગીરી કરી પૂર્ણ કર્યા પછી સ્થાનિક મહિલા અપક્ષ કોર્પોરેટર ફરીદાબેન મોં. રફીક શેખે મહિલા આરોગ્ય કર્મચારીઓને ૪ ઘરનો સર્વે બાકી હોવાનું જણાવી તેમના વિસ્તારમાં બોલાવી તમો નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (એનઆરસી)ની વિગતો ફોર્મમાં ભરવા આવ્યા છો તમોને કોઈ માહિતી આપવામાં આવશે નહીં તેવો આક્ષેપ કરી સર્વેની કામગીરી કરતા કર્મીઓ પાસેથી ફોર્મ છીનવી લઈ મહિલા કર્મચારી પર હુમલો કરી દુપટ્ટો પણ ફાડી નાખતા મહિલા કોર્પોરેટરની લુખ્ખી દાદાગીરી કરી હોબાળો મચાવતા ભારે વિવાદ સર્જાયો હતો. મોડાસા શહેરની અપક્ષ મહિલા કોર્પોરેટર ફરીદાબેન દ્વારા એનપીઆરના બહાના હેઠળ સરકારી કામગીરીનો વિરોધ કરતા ચકચાર મચી ગઈ હતી.

મોડાસા અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા મહિલા આરોગ્ય કર્મચારી દિપીકાબેન પડ્યા અને તેમની સાથે રહેલા આશાવર્કર શબાના બેન પર હુમલાની ઘટના બનતા આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હુમલાનો ભોગ બનેલ આરોગ્ય મહિલા કર્મચારીઓ દબંગ મહિલા કોર્પોરેટર ફરીદા શેખને કાયદાનો પાઠ ભણાવવા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથધરી હોવાની માહિતી આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી.