મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ સરકારી શાળાઓમાં ભણતા બાળકોને કહેવાતા અને આપવામાં આવતા પૌષ્ટિક આહારની યોજના એટલે મધ્યાહન ભોજન ની યોજના રાજ્યમાં કુપોષિત બાળકોનો રેશિયો આસમાને આંબે છે ત્યારે મધ્યાહન ભોજનમાં ચાલતી લાલીયાવાડી થી અનેક બાળકોને પૌષ્ટિક આહારથી વંચિત રહેવું પડે છે મધ્યાહન ભોજનમાં બાળકોને પીરસવામાં આવતા ભોજનનું મેનુ પણ રાજ્યની મોટાભાગની શાળાઓમાં ફક્ત કાગળ પર અમલવારી થઈ રહી છે.

મોડાસા તાલુકાની કેટલીક શાળાઓમાં પ્રાથમિક શાળાઓના નવા સત્રને શરુ થયાને દોઢ મહિનો વીતવા છતાં ચણા, તુવેર, મગ સહીત દાળનો જથ્થો મધ્યાહન ભોજનના સંચાલકોને શાળામાં મળવો જોઈએ તે મળ્યો ન હોવાથી બાળકો પ્રોટીનયુક્ત ભોજનથી વંચિત રહેતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મોડાસા તાલુકાની અનેક શાળાઓમાં મેનુ પ્રમાણે મધ્યાહન ભોજનનો જથ્થો સમયસર પહોંચતો ન હોવાથી બાળકો ભોજનથી વંચિત રહેવાનો વારો આવ્યો હોવાની અનેક બૂમો ભૂતકાળમાં ઉઠી હતી. ત્યારે ચાલુ વર્ષે શૈક્ષણિક સત્ર શરુ થાયે દોઢ મહિના જેટલો સમય પૂર્ણ થવા છતાં દાળનો જથ્થો ન પહોંચતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. જીલ્લા મધ્યાહન તંત્ર જીલ્લામાં મધ્યાહન ભોજન બાળકોને મળી રહે અને શાળામાં મધ્યાહન ભોજન સંચાલકોની બેદરકારી સામે નોટિસ આપવામાં આવી રહી છે. બીજબાજુ દિવાતળે અંધારું હોય તેમ કેટલીક શાળાઓમાં દાળનો જ્થ્થો જ ન પહોંચ્યો હોવાથી તેમની સામે કોણ કાર્યવાહી કરશે સહિતના પ્રશ્નો મધ્યાહન ભોજનના સંચાલકો અને લોકોમાં ઉદભવી રહ્યા છે.