મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ રાજ્યમાં ૫૫ દિવસ બાદ જીવનજરૂરી વસ્તુઓ સિવાયની દુકાનો ખુલી છે. સતત બીજા દિવસે મોડાસા શહેરમાં ભારે ભીડ ઉમટી હતી. લોકડાઉન ના પગલે હોલસેલ વેપારીઓ પાસે પુરતા પ્રમાણમાં માલ ન હોવાથી વસ્તુઓની તંગી જોવા મળી હતી. મોડાસા શહેરમાં પાન-મસાલા ગુટખાની એજન્સી ધરાવતા વેપારીઓની દુકાનોમાં બીજા દિવસે પણ લાઈનો યથાવત જોવા મળી હતી. મોડાસા શહેરના જાણીતા હોલસેલ વેપારીએ ભીડને કાબુમાં લેવા બેરિકેડ લાગવાની સાથે બાઉન્સર ગોઠવી દીધા હતા. પાન-મસાલાના હોલસેલ વેપારીઓના ત્યાં ધોમધખતા તાપમાં પાનપાર્લર ધારકો અને ગ્રામ્ય વિસ્તારના વેપારીઓએ લાઈન લગાવી હતી.

અરવલ્લી જિલ્લા સહીત મોડાસા શહેરમાં લોકડાઉન માં મળેલી છૂટછાટના બીજા દિવસે પણ સૌથી વધુ ભીડ પાન-મસાલા ના હોલસેલ વેપારીઓના ત્યાં અને પાનપાર્લર અને દુકાનોમાં જોવા મળી હતી. પાન-માવાની દુકાનો ખુલતા જ લોકોએ લાઇનો લગાવી દીધી હતી. તમાકુ પ્રોડક્ટનું વેચાણ કરતી એજન્સીઓ પર પણ વહેલી સવારથી જ લાઇનો લાગી હતી. કેટલીક એજન્સીમાં તો માલ ખૂટી પડતા માલ ખલાસ હોવા અંગે લોકોને સમજાવવા છતા સમજતા ન હોવાથી  એજન્સી બંધ કરવી પડી હતી. પોલીસતંત્ર પણ ભીડ ઓછી થાય અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે સતત પેટ્રોલિંગમાં લાગી હતી. બીજી તરફ એજન્સીઓ તરફથી લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે માટે ખાનગી સિક્યુરિટી ગોઠવી દેવામાં આવી છે.

વ્યસનીઓની વ્યથા યથાવત બ્લેકમાં પૈસા આપી થાક્યા 

           લોકડાઉનમાં છૂટછાટ મળી તો ખરી પણ પાન-મસાલા, ગુટખા અને બીડી-સિગારેટનો જ્થ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબદ્ધ ન હોવાથી પાન પાર્લર ધારકો નશેડીઓને ખંખેરી રહ્યા છે ગ્રાહકો પાસેથી બે થી ત્રણ ગણા રૂપિયા લઇ રહ્યા છે  કેટલાક વ્યસનીઓએ જણાવ્યું હતું કે  બ્લેકના પૈસા આપીને થાક્યા છે.