મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા બાયપાસ રોડ પરથી ભાર વાહક ચાલકો અને વાહનચાલકો પુરઝડપે પસાર થતા હોવાથી અનેક નિર્દોષ વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લેવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે મોડાસા બાયપાસ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ દેવરાજ ધામ નજીક બાઈક ચાલકને બચાવવા જતા ટ્રક-કન્ટેનર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ઢાબા બહાર પડેલી બાઈકને ટક્કર મારી ઢાબામાં ઘુસી જતા ભારે અફડાતફડી મચી હતી સદનસીબે ઢાબામાં અને આજુબાજુના લોકોનો આબાદ બચાવ થયો હતો ઢાબાને ભારે નુકશાન પહોંચ્યું હતું અકસ્માતના પગલે દોડી આવેલા લોકો ટ્રક-કન્ટેનર ચાલક સાથે હાથાપાઈ કરી હતી ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, મોડાસા બાયપાસ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ  દેવરાજધામમાં ભક્તોની સતત અવર-જવર રહેતી હોય છે. દેવરાજધામ ચોકડી નજીક બાજકોટ ગામ તરફથી અચાનક બાઈક ચાલક રોડ પર આવી જતા શામળાજી તરફથી આવતા ટ્રક-કન્ટેનર ચાલકે બાઈક ચાલકને બચાવવા જતા શોર્ટ બ્રેક મારતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ બનેલી ટ્રક-કન્ટેનર દેવરાજધામ પ્રવેશદ્વાર નજીક બાઈકને ટક્કર મારી ઢાબામાં ઘુસી જતા ઢાબામાં રહેલા અને આજુબાજુ ઉભેલા લોકોમાં નાસભાગ મચી હતી. બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઢાબામાં રહેલા અને આજુબાજુ ઉભેલા લોકોનો આબાદ બચાવ થતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોમાં “રામ રાખે તેને કોણ ચાખે” ના શબ્દો મોઢા માંથી સરી પડ્યા હતા. મોડાસા બાયપાસ રોડ પર ટ્રક ઢાબા ઘુસી જતા ટ્રાફિકજામ થઈ જતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકજામ પૂર્વરત કરાવ્યો હતો.