મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા ટાઉન પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટ વર્ષ-૨૦૧૮ માં માલપુર પોલીસે સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપીને ગુનાના કામ માટે રાહત આપવા તથા હળવા કાગળ તૈયાર કરવા પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટે ૩ લાખ રૂપિયાની લાંચની માંગણી કરતા જેતે સમયે ૨ લાખ રૂપિયા રોકડા આપી દીધા હતા. ૨ લાખથી સંતોષ ન થતા પીએસઆઈ બ્રહ્મભટ્ટે માલપુર પોલીસ સ્ટેશનના ગુનાના આરોપીના સંબંધી પાસે ૧ લાખ રૂપિયાની વારંવાર ઉઘરાણી કરતા ભારે રકઝકના અંતે ૪૫ હજાર રૂપિયા નક્કી થયું હતું અને ૨૫ હજાર રૂપિયા આપી દીધા હતા. વારંવાર લાંચની માંગણીથી ત્રસ્ત બનેલા ફરિયાદીએ પીએસઆઈ કે. ડી. બ્રહ્મભટ્ટ વિરુદ્ધ લાંચિયા ફોજદારને પાઠ ભણાવવા ગાંધીનગર એસીબીને ફરિયાદ કરવામાં આવી હતી.

બુધવારે રાત્રે ગાંધીનગર એસીબી પીઆઈ ડી.વી. પ્રસાદ અને તેમની ટીમે છટકું ગોઠવી પીએસઆઈ  કે. ડી. બ્રહ્મભટ્ટને જાગૃત નાગરિકે મોડાસા સહયોગ ચાર રસ્તા પેટ્રોલપંપ પાસે બોલાવતા પીએસઆઈ બ્રહ્મભટ્ટ કાર સાથે પહોંચી ફરિયાદીને કારમાં બેસાડી ૨૦ હજાર રૂપિયાની લાંચ લઈ એસીબી ટ્રેપની ગંધ આવી જતા ફરિયાદીને કારમાંથી ઉતારી રોંગ સાઈડ કાર હંકારી મૂકી ફરાર થઈ ગયા હતા. એસીબીએ પીએસઆઈ કેતન દિલીપભાઈ બ્રહ્મભટ્ટ ને ઝડપી પાડવા ઠેર ઠેર છાપા મારી રહી છે છતાં ભૂગર્ભમાં ઉતરી પીએસઆઈ જતા એસીબીની પકડથી દૂર રહેવામાં સફળ રહ્યો છે.

એસીબી પી.આઈ. આર.એન.પટેલના જણાવ્યા અનુસાર પી.એસ.આઈ. કે.ડી.બ્રહ્મભટ્ટના ઘરે અને નોકરીના સ્થળે તપાસ હાથધરી સંભવિત સ્થળોએ તપાસનો દોર યથાવત હોવાની સાથે ધરપકડ માટે રાજ્યના તમામ પોલીસસ્ટેશનોમાં જાણ કરી દેવામાં આવી છે. હજુ સુધી લાંચિયા પીએસઆઇ કે.ડી.બ્રહ્મભટ્ટ ના કોઈ સગડ મળ્યા ન હોવાનું જણાવ્યું હતું.