મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા ટાઉન પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટ વર્ષ-૨૦૧૮માં માલપુર પોલીસે સ્ટેશનમાં ફરજબજાવતા હતા. ત્યારે દુષ્કર્મના કેસમાં આરોપીને ફાયદો થાય તે રીતે કાગળ કરી આપવા જે તે સમયે ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેમાંથી ૨ લાખ ૨૫ હજાર રૂપિયા અગાઉ લીધા હોવા છતાં દુષ્કર્મના આરોપીને બાકીના રૂપિયા માટે દબાણ કરતા ગાંધીનગર એસીબીનો સંપર્ક કરતા ૭ જુલાઈએ મોડાસા સહયોગ ચોકડી નજીક ગાંધીનગર એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી. ફરિયાદી પાસેથી પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટ ૨૦ હજાર રૂપિયાની લાંચ લીધી હતી. એસીબીની ટ્રેપની ગંધ આવી જતા લાંચના ૨૦ હજાર રૂપિયા લઈ રફુચક્કર થઈ જતા નાસતા ફરતા પીએસઆઈને ઝડપી લેવા એસીબીની ટીમે સંભવિત સ્થળોએ રેડ પાડવાની સાથે રાજ્યના તમામ પોલીસ મથકોમાં જાણ કરવામાં આવી હતી.

મોડાસા ટાઉનના પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટ ૪ દિવસ ભૂગર્ભમાં રહ્યા પછી શનિવારે રાત્રે સામેથી ગાંધીનગર એસીબી ઓફિસમાં હાજર થઈ જતા ગાંધીનગર એસીબી ટીમના તપાસ અધિકારી આર.એન પટેલ અને તેમની ટીમે પીએસઆઈને રવિવારે ગાંધીનગરથી લઈ આવી મોડાસા સેસન્સ કોર્ટના જજ આગળ રજુ કરતા પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટના ૫ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. ગાંધીનગર એસીબીની ટીમે ૫ દિવસના રિમાન્ડ મંજુર થતા આગળની કાર્યવાહી હાથધરી હતી.

પીએસઆઈ બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કરવામાં કેમ આળસ?

મોડાસા ટાઉન પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટના નામે મોબાઈલની દુકાનમાં તોડ કરવા ગયેલા વહીવટદારનો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અંગે પણ જીલ્લા પોલીસવડા મયુર પાટીલે ડીવાયએસપી ફાલ્ગુની બેન પટેલને તપાસ સોંપી હતી. તેના થોડા દિવસ પછી પીએસઆઈ બ્રહ્મભટ્ટ લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ફસાયા હતા. આ ઘટનાને ૬ દિવસ થયા તેમ છતાં સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાની અને સસ્પેન્ડ કરવા રાહ જોઈ રહ્યા હોય તેવી માહિતી પોલીસસુત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થતા આ અંગે જીલ્લા પોલીસવડા મયુર પાટીલનો ટેલિફોનિક સંપર્ક સાધતા ફોન ઉપાડવાનું મુનાસીબ માન્યું ન હતું.