મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ચાંદ ટેકરી અને રાણાસૈયદ વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા હોવાની વારંવાર બૂમો ઉઠી રહી છે. મોડાસા ટાઉન પોલીસે માજુમ નદીના કિનારે ઝાડી-ઝાંખરામાં કતલખાને ખસેડવા બાંધી રાખેલ ૫ ગૌવંશ અને ખાલીકપુર નજીકથી છોટા હાથીમાં  કતલખાને લઇ જવાતા બે બળદ સાથે બે શખ્શોની અટકાયત કરી ૨.૩૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
લોકડાઉનની અમલવારીમાં વ્યસ્ત બનેલી પોલીસનો લાભ અસામાજિક તત્વો લઇ રહ્યા છે મોડાસા ટાઉન પીઆઈ સી.પી વાઘેલા અને તેમની ટીમે માજુમ નદીના કિનારે ઝાડી-ઝાંખરામાં બાવળના ઝાડ સાથે બે ગાય અને ત્રણ બળદ બાંધી રાખી કતલ માટે બાંધી રાખ્યા હોવાની બાતમી મળતા રેડ કરી ૫ ગૌવંશને બચાવી લીધું હતું. પોલીસરેડ જોઈ કસાઈ ઇશાક હસન મુલતાની ફરાર થઇ જતા ૨ ગાય અને ત્રણ બળદ કીં.રૂ.૬૫૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કસાઈને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
 
માલપુર-મેઘરજ બાયપાસ રોડ પર ખલીકપુર ગામ નજીકથી પસાર થતા પીકપડાલાને અટકાવી છોટા હાથી (મીની ટ્રક) કતલખાને લઇ જવાતા બળદ નંગ-૨ કીં.રૂ.૨૦૦૦૦/- ને ઝડપી પાડી ૧) પ્રવીણ જેઠાભાઇ પટેલ (રહે,રેવાસ-ઇડર) અને ભૂરા રામજીભાઈ નિનામા (રહે,સિયાસણ-ઇડર) ને દબોચી લઈ મોબાઈલ તથા પીકપડાલા મળી કુલ.રૂ.૧૭૧૦૦૦/- મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઝડપાયેલ બંને શખ્શોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
મોડાસા ટાઉન પોલીસે ૭ ગૌવંશ કીં.રૂ.૮૫૦૦૦/- તથા છોટા હાથી કીં.રૂ.૧૫૦૦૦૦/- તથા મોબાઈલ નંગ-૧ કીં.રૂ.૧૦૦૦/- મળી કુલ.રૂ.૨૩૬૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બચાવી લીધે ગૌવંશને પાંજરાપોળ મોકલી આપવા તજવીજ હાથધરી હતી.