મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર વિસ્તારમાં છેલ્લા કેટલાક અરસાથી ઘરફોડ ચોરીઓ સહિતની નાની મોટી ચોરીઓ થવાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ટાઉન પોલીસની કાર્યદક્ષતા અંગે શહેરીજનો તર્ક વિતર્ક કરી રહયા છે.

છેલ્લા ત્રણ દિવસોમાં મોડાસા માં ત્રણ થી વધુ દુકાનોના તાળા તૂટ્યા બાદ ગોવર્ધન ફલેટમાંથી ગુરુવારની બપોરે એટલેકે ધોળા દિવસે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂપિયા 4 લાખની મત્તા ચોરાઇ હોવાની ઘટનાની શ્યાહી હજુ સુકાઈ પણ નથી. ત્યાં ગોવર્ધન ટાઉનશિપ વિસ્તારમાં શનિવારની સવારે જ એક તસ્કરને સ્થાનિકોએ ઝડપી લીધો હતો. આ વિસ્તારમાંથી સાયકલોની ચોરી કરીને જઇ રહેલા એક યુવકને સ્થાનિકોએ જોઈ લેતા તેને ઝડપી લઈને બરાબર મેથીપાક ચખાડયા બાદ મૂળ વ્યવસાયે રીક્ષા ચાલક એવા ચોરને મોડાસા ટાઉન પોલીસને સુપ્રત કર્યો હતો. આ ચોર પકડાઈ જતા તેની પાસેથી વધુ ચોરીઓની ઘટનાઓ અંગે માહિતી મળી શકવાની શક્યતાઓ જણાઈ રહી છે. પરંતુ સસ્થાનિક પોલીસ પૂછપરછ મામલે કોઈ કાચું ન કાપે તેવી આશા નગરજનો રાખી રહ્યા છે.