મેરાન્યૂઝ નેટવર્ક. મોડાસા : મોડાસા શહેરમાં તસ્કરો,ઘરફોડ ગેંગ સમયાંતરે ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે. મોડાસા શહેરના ઉમીયા ચોક નજીક આવેલા કોમ્પ્લેક્ષમાં બે બ્યુટીપાર્લર અને એક બુક સ્ટોર પર ત્રાટકી દુકાનમાં રહેલ માલસામાન ફેંદી નાખી જે હાથ લાગ્યું તે લઇ રફુચક્કર થઇ જતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. પોલીસતંત્ર નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવે તેવી માંગ પ્રબળ બની છે. ત્રણે દુકાન માલિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમીક તપાસ હાથધરી હતી. તસ્કર ટોળકી બ્યુટીપાર્લર અને બુક સ્ટોરને પણ ટાર્ગેટ બનાવતા લોકોમાં અચરજ ફેલાયું છે. 

મોડાસા શહેરના મેઘરજ રોડ પર ઉમિયા ચોકની સામે આવેલા રોયલ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં આવેલી એંજલ બ્યુટીપાર્લર, પ્રિયા બ્યુટીપાર્લર અને એક બુક સ્ટોર્સમાં મંગળવારની રાત્રીએ તસ્કર ટોળકી ત્રાટકી ત્રણે દુકાનના તાળા તોડી દુકાનોમાં પ્રવેશી દુકાનોમાં રહેલા માલસામાન રફેદફે કરી દુકાનોના કાઉન્ટરના લોક તોડી રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બુધવારે સવારે બને બ્યુટીપાર્લર અને બુક સ્ટોર્સના તાળા તૂટેલા જોતા બ્યુટીપાર્લર અને બુકસ્ટોર્સ માલિક ચોર કળા કરી ગયા હોવાની જાણ થઇ હતી. ત્રણે દુકાન માલિકોએ ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 

મોડાસા શહેરમાં સમયાંતરે બનતા ચોરીના કિસ્સાઓ ને લઈ નગરજનો  તેમજ વેપારીઓમાં રોષ ની લાગણી જોવા મળી રહી છે પોલીસ રાત્રી પેટ્રોલિંગ વધારે તેવી લોકો માં માંગ ઉઠી છે.