મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં ચોર, લૂંટારુ, ઘરફોડિયા ગેંગ અને ચેઇનસ્નેચર ગેંગ સતત ચોરી,લૂંટની ઘટનાને અંજામ આપતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે મોડાસા શહેરમાં સક્રિય તસ્કર ટોળકી અને ચેઇનસ્નેચર ગેંગ મનફાવે ત્યારે ત્રાટકે છે અને ચેઈનસ્નેચીંગ અને લૂંટની ઘટનાને અંજામ આપી પોલીસતંત્રને લપડાક આપી રહી છે. લોકોમાં પોલીસતંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલા પાર્શ્વનાથ આર્કેડ નામના કોમ્પ્લેક્ષમાં આવેલી “દિલ્હીવેરી પ્રાઇવેટ લિમિટેડ” કુરિયર ઓફિસમાં તસ્કરો ત્રાટકી શટર ઉંચુ કરી ઓફિસમાં રાખેલા ૨.૫ લાખ રૂપિયા રોકડા અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર ઉઠાવી જતા ભારે ચકચાર મચી છે મોડાસા રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મેઘરજ રોડ પર આવેલા પાર્શ્વનાથ આર્કેડમાં આવેલી અને ઓનલાઈન પ્રોડક્ટ ડિલિવરીનું કામકાજ કરતી “દિલ્હીવેરી પ્રાઈવેટ લિમિટેડ” કુરિયર નામની કંપનીમાં કામકાજ કરતા કર્મચારીઓ શનિવારે સાંજે રાબેતા મુજબ ઓફિસ બંધ કરી ઘરે ગયા હતા. રવિવારે રાત્રીએ તસ્કરોએ ત્રાટકી કુરિયર કંપનીનું શટર વચ્ચેથી ઉંચુ કરી ઓફિસમાં ત્રાટકી ઓફિસમાં રાખેલા ૨.૫ લાખ રૂપિયા રોકડા અને ચોરીની ઘટના છુપાવવા તસ્કરોએ કુરિયર ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા. સોમવારે ઓફિસે પહોંચેલા કર્મચારીઓએ ઓફિસનું શટર તૂટેલું જોતા ઓફિસમાં ચોરી થયાની જાણ થતા હેડઓફિસમાં જાણ કરવાની સાથે મોડાસા રૂરલ પોલીસને જાણ કરાતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ઓફિસમાં પ્રાથમિક તપાસ હાથધરી રાબેતા મુજબ કાર્યવાહી હાથધરી હતી.