મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ગાંધીના ગુજરાતમાં નામ પૂરતી જ દારૂ બંધી હોય અને રાજ્ય સરકારે દારૂબંધી માટે બનાવેલ શખ્ત કાયદો અને અમલવારી કાગળ પર હોય તેમ ઠેર ઠેર વિદેશી-દેશી દારૂ ની રેલમછેલ જોવા મળે છે. અરવલ્લી એસપી સંજય ખરાતના આગમન પછી દારૂ-જુગારની બદી પર મહદંશે કાબુ મેળવાવામાં પોલીસ તંત્ર સફળ રહ્યું છે. ખુલ્લેઆમ મળતો દેશી-વિદેશી દારૂ છાનેછપને મળી રહ્યો હોવાની બૂમો ઉઠી રહી છે

            મોડાસા શહેર અને આજુબાજુ વિસ્તારમાં ધમધમતા દેશી-વિદેશી દારૂના ઠેકા માંથી દારૂ પીને અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. શહેરના સૂકા બજાર અને કસ્બા વિસ્તારમાં રવિવારે સાંજે ત્રણ-ચાર દારૂડિયા દારૂના નશામાં ચકનાચૂર થઇ હંગામો મચાવતા દારૂડિયાઓના ઉપદ્રવથી થાકેલા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને દારૂડિયાઓને પાઠ ભણાવે તે પહેલા દારૂડિયાઓ રફુચક્કર થઇ ગયા હતા.

                મોડાસા શહેરના સૂકા બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી દારૂના નશામાં બિંદાસ્ત બની સૂકા બજાર થી કસ્બા વિસ્તારમાં વેપારીઓ અને લોકોને રંજાડ કરતા હોવાની સાથે બેફામ ગાળાગાળી કરી અંદરો અંદર ઝગડા કરતા  અને દુકાનદારો સાથે માથાકૂટ કરતા હોવાથી લોકોમાં છૂપો રોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે રવિવારે સાંજના સુમારે દારૂના નશામાં ચકનાચૂર બની હંગામો મચાવતા અને ઉભા બજારે ધમાલ કરતા અને બીભસ્ત વર્તન કરતા દરરોજની કનડગતથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોના ટોળેટોળા  એકઠા થવા માંડતા દારૂડિયાઓ ટોળાનો રોષ પામી ગયા હતા અને ટોળાના આક્રોશનો ભોગ બને તે પહેલા શાનમાં સમજી મેથી પાક મળે તે પહેલા સૂકા બજારમાંથી છું મંતર થઇ ગયા હતા.

         સૂકા બજારમાં નશેડીઓના ત્રાસ થી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ અસામાજીક તત્ત્વો સામે પોલીસતંત્ર દ્વારા શખ્ત કાર્યવાહી કરવામાં આવેની માંગ પ્રબળ બની છે.