મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભણતરના ભાર નીચે અને અભ્યાસની હરીફાઈમાં બીમાર હોવા છતાં શારીરિક સારસંભાળ રાખતા ન હોવાથી દુઃખદ પરિણામ ભોગવવા પડતા હોય છે. મોડાસાની જે. બી. શાહ ઇંગલિશ મીડીયમ સ્કૂલમાં ધો.૧૦માં અભ્યાસ કરતી ધન્વી શાહ નામની વિદ્યાર્થીની શાળા છૂટ્યા પછી વર્ગ ખંડની બહાર નીકળતા અગમ્ય કારણોસર પટકાતા શાળાના શિક્ષકો તાબડતોડ ખાનગી હોપિટલમાં સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ચકચાર મચી હતી. અચાનક વિદ્યાર્થીનીનું મોત નિપજતા ભારે શોકની લાગણી છવાઈ હતી.

મોડાસાની પંચજયોત સોસાયટીમાં રહેતી ધન્વી શાહ જે. બી. શાહ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતી હતી. મંગળવારે રાબેતા મુજબ શાળાએ ગઈ હતી. સ્કૂલ છૂટવાના સમયે ક્લાસરૂમના અન્ય વિદ્યાર્થીઓ સાથે કલાસરૂમની બહાર નીકળી રહી હતી ત્યાં નજીકમાં અગમ્ય કારણોસર ફસડાઈ પડતા સાથી વિદ્યાર્થીઓએ તાત્કાલિક શિક્ષકોને જાણ કરી હતી. જેને પગલે તાબડતોડ ધન્વી શાહને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થિનીનું મોત થયાની ખબર પડતાં જ શિક્ષકો શોકમગ્ન બન્યા હતા. ધન્વિનાં પરિવારજનો અને સગા-સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવી ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ ધન્વી શાહ છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હોવાનું જાણવા મળ્યું હતું.