મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ કોરોના વાયરસને પગલે કેન્દ્ર સરકારે આખા દેશમાં મઘ્યરાત્રીથી લૉકડાઉનની જાહેરાત કરી છે. લોકો લૉકડાઉનનો કડક અમલ કરે તે માટે તંત્ર ખૂબ પ્રયાસ કરી રહ્યું છે.અરવલ્લી જીલ્લામાં અનેક જગ્યાએ લોકો લૉકડાઉનનું સમર્થન કરતા જોવા મળ્યા હતા તો અમુક જગ્યા પર લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતાર્યા હતા મોડાસા રૂરલ પોલીસે તેમના વિસ્તારમાં આવતા કિરાણા સ્ટોર્સમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો વચ્ચે ૧ મીટરનું અંતર જળવાય તેની તાકીદ કરી અમલવારી કરાવી હતી જાહેરસ્થળોએ રાખેલા બાંકડા પણ ઉંધા વાળી દઈ લોકડાઉનની ચુસ્ત અમલવારી કરાવવા મથામણ કરી રહી છે.

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રો.ડીવાયએસપી ઈશ્વર પરમારે પોલીસવડા મયુર પાટિલના માર્ગદર્શન હેઠળ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા કિરાણા સ્ટોર અને ડેરી પાર્લર પર ખરીદી કરવા એકઠી થતી ભીડમાં કોરોના પ્રસરતો અટકાવવા કિરાણા સ્ટોર અને ડેરી પાર્લર માલિકો સાથે ચર્ચા કરી દુકાનમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો વચ્ચે ૧ મીટર અંતર જળવાય તેવી સુવિધા ઉભી કરવા ફરજીયાત પણે અમલ કરવાની તાકીદ કરતા કિરાણા સ્ટોર્સ અને ડેરી પાર્લરના માલિકોએ પોલીસતંત્રને સહયોગ આપી એક-એક મીટરનું ગ્રાહકો વચ્ચે અંતર રહે તેવી વ્યવસ્થા ઉભી કરી હતી.

અરવલ્લી જીલ્લામાં કલમ-૧૪૪ લાગુ છે અને લોકડાઉન પણ અમલમાં હોવા છતાં મોડાસા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સરેઆમ ભંગ કરી રહ્યા છે મોડાસા શહેર સહીત આજુબાજુના વિસ્તારમાં જાહેર સ્થળોએ અને પોલીસતંત્રની નજર ન પહોંચે તેવા વિસ્તારોમાં લોકો એકઠા થઈને ગપ્પા મારતા હોય છે. દરેક વિસ્તારોમાં જે તે કાઉન્સિલરો કે કોર્પોરેશન કે પછી ધારાસભ્ય, સાંસદ સભ્ય તરફથી બાકડા મુકવામાં આવ્યા છે. સાંજના અને રાત્રીના સુમારે કેટલાક લોકો બાકડા પર બેસવા માટે એકઠા થતા હોય છે અને બોકડાઓ પર અડિંગો જમાવી પારકી પંચાયત કરતા હોવાનું મોડાસા રૂરલ પોલીસને ધ્યાને આવતા તેમના વિસ્તારના તમામ બાંકડાઓને જ ઉંધા કરી દીધા છે.