મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: કોરોનાનો અજગરી ભરડો દેશના નાગરિકોને ધીરે ધીરે લપેટ માં લઇ રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધતા અને લોકો ટપોટપ મોતને ભેટતા ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે.જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં કોરોના સંક્રમણની ચેન તોડવા જરૂરી નિયંત્રણો ૧૮મે સુધી લાદી દેવામાં આવ્યા હોવાની સાથે રાત્રી કર્ફ્યુનો અમલ કરાયો છે. બીજીબાજુ શુક્રવારે મુસ્લીમ બિરાદરોનો પવીત્ર તહેવાર રમઝાન ઈદ પણ હોવાથી તહેવારની ઉજવણી શાંતીપૂર્ણ માહોલમાં થાય અને સરકારી ગાઈડ લાઈન જળવાઈ રહે તે માટે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે શહેરના મુખ્યમાર્ગો અને લઘુમતી વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ યોજી પરીસ્થીતીનો તાગ મેળવ્યો હતો. તેમજ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જળવાઈ રહે તે માટે ફૂટ પેટ્રોલીંગનું આયોજન કર્યું હતું. 

રાજયમાં કોરોનાનું સંક્રમણ આંશિક ઘટયુ છે પરંતુ અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કહેર યથવત રહ્યો છે.જીલ્લા પોલીસવડા સંજય ખરાતે મોડાસા શહેરમાં ફૂટ પેટ્રોલીંગ યોજ્યું હતું. જેમાં જીલ્લા નાયબ પોલીસવડા ભરત બસીયા,એસસી-એસટી સેલના ડીવાયએસપી વિશાલ રબારી એલસીબી પીઆઈ સી.પી.વાઘેલા, ટાઉન પીઆઈ એન.જી.ગોહીલ અને ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિવિધ એજન્સીમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ જોડાયા હતા.