મેરાન્યૂઝ નેટવર્ક. મોડાસા: મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં તસ્કર ટોળકીએ જમાવટ કરી હોય તેમ સતત ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. શની-રવીની રજાઓમાં બંધ મકાન,દુકાનમાં તસ્કર ટોળકી ત્રાટકી ચોરી-લૂંટ કરી રફુચક્કર થઈ જતા રહેણાંક વિસ્તારોમાં નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવવા માંગ પ્રબળ બની છે. મોડાસા શહેરની ફૈઝે રસુલ સોસાયટીમાં એક બંધ મકાનના તાળા-નકૂચા તોડી અંદાજે રૂપિયા દોઢ લાખની રોકડ સહિત સોના-ચાંદીના દાગીનાની ચોરી થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મોડાસા શહેરમાં સમયાંતરે બનતા ચોરીના કિસ્સાઓ ને લઈ નગરજનો તેમજ વેપારીઓમાં રોષ ની લાગણી જોવા મળી રહી છે. પોલીસ રાત્રી પેટ્રોલિંગ વધારે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
મોડાસા શહેરની ફૈઝે રસુલ સોસાયટીમાં રહેતા અબ્બાસમીયા કલાલને શ્વાસની બીમારી વધી જતા સારવાર અર્થે હિંમતનગર દવાખાને લઇ ગયા હતા. તેમના પત્ની મુમતાઝ બેન ઘર બંધ કરી તેમના પુત્રના ઘરે રહેવા ગયા હતા. તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. મુખ્ય દરવાજાને લગાવેલ તાળું નકુચા સાથે તોડી નાખી ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ ઘરની અંદર સ્ટોર રૂમમાં થેલીમાં રાખેલા સોનાની બુટ્ટી સહિતના દાગીના અને રૂપિયા ૩૦ હજારની રોકડ ની ચોરી કરી ફરાર થઇ જતા પરિવાર ઘરે ફરતા ઘરમાં ચોરીની ઘટનાના પગલે આઘાતમાં સરી પડ્યો હતો. ચોરીની ઘટનાના પગલે ટાઉન પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી હતી.
મોડાસા ટાઉન પોલીસે મુમતાઝબેન કલાકની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમો સામે ચોરીનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.