પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણે ત્યાં સ્ત્રીઓની ફરિયાદ અંગે સંવેદનશીલતાનો અભાવ હોવાને કારણે જયારે પરિવાર અને તંત્રની મદદ મળતી નથી ત્યારે સ્ત્રી બેસહારા બની જાય છે. અરવલ્લી જિલ્લા પોલીસની બીનસંવેદનશીલતાને કારણે ગુમ થયેલી યુવતીનો મૃતદેહ ઝાડ ઉપર લટકતો મળ્યો હતો. આ મામલે દલિત આંદોલન થતાં સરકારે આ મામલ સીઆઈડી  ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી છે, જેમની પ્રાથમિક તપાસમાં જે રીતે સાયરા ગામની યુવતીનો  મૃતદેહ ઝાડ ઉપર લટકતી સ્થિતિમાં મળ્યો તેની તપાસ ફોરનસીક અધિકારી કર્યા બાદ યુવતીએ  ઝાડ ઉપર જાતે લટકી ગઈ હોવાની શકયતા નહીંવત હોવાનું જણાવ્યુ છે .જો કે યુવતીની હત્યા જ થઈ છે તેવા નિષ્કર્ષ ઉપર પહોચવા માટે સીઆઈડી  પીએમ રીપોર્ટની રાહ જોઈ રહી છે.

અરવલ્લી પોલીસની બેદરકારીને કારણે તપાસમાં વિલંબ થયો અને યુવતીનો  મૃતદેહ હાથ લાગ્યો હતો, પણ આ કેસની તપાસ સીઆઈડીન સોપ્યા પછી ધમધમાટ વધી ગયો છે,.સીઆઈડીને આ કેસની ખુટતી કડીઓ પણ હાથ લાગી છે, જેમાં યુવતીની હત્યા થઈ છે તો તેના કારણ સુધી પહોંચવુ પણ જરૂરી છે. હાથ લાગેલા પુરાવા પ્રમાણે યુવતી અને આ કેસનો મુખ્ય આરોપી વિમલ ભરવાડ ફોન ઉપ સતત સંપર્કમાં હતા યુવતીની ગુમ થયાની ફરિયાદ પછી પણ યુવતીનો ફોન ચાલુ હતો અને તે સંપર્કમાં હતા, વિમલ ભરવાડ પરણિત છે.

પોલીસને વિમલ ભરવાડ બિહાર અને જમ્મુ કાશ્મીરના કેટલાંક લોકો સાથે સંપર્કમાં હોવાના પુરાવા મળ્યા છે. પરંતુ સીઆઈડી અધિકારીઓ માની રહ્યા હતા કે યુવતીના પરિવારજનો પોલીસથી કેટલીક મહત્વની જાણકારી છુપાવી રહ્યા છે જે જાણકારી આરોપી સામે મજબુત પુરાવા બની શકે છે. યુવતીની મોટી બહેન આ બાબતમાં મહત્વની  વ્યકિત છે કારણ સાયરાની ઘટના પછી યુવતીની મોટી બહેન દ્વારા પોતાનો અને યુવતીનો ફોન તોડી નાખવામાં આવ્યો છે, આમ યુવતી અને તેની મોટી બહેનના ફોનમાં એવી કઈ જાણકારી હતી કે જે તેઓ પોલીસને આપવા માગતા ન્હોતા.

સીઆઈડીના મહિલા પોલીસની મદદ લીધા બાદ યુવતીની મોટી  બહેન પોલીસ સામે કેટલાંક રહસ્યો ખોલવા તૈયાર થઈ છે. જેના કારણે તેની મોટી બહેનને હાલમાં અરવલ્લી એસપી ઓફિસમાં લાવવામાં આવી છે જયાં સીઆઈડીના મહિલા અધિકારીઓ તેનું નિવેદન નોંધી રહ્યા છે, સંભવના છે કે આગામી ત્રણ દિવસમાં સીઆઈડી સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કરી નાખશે.