મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય પોલિસની હદમાં કાયદો વ્યવસ્થા જાણે કથળી હોય તેવું લાગી રહ્યું છે. મોડાસા તાલુકાના કુડોલ ઘાંટા પંથકમાં અસામાજિક તત્વો પોલિસને લલકારતા હોય તેવી રીતે જીવલેણ હુમલાની ઘટનાને અંજામ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અસામાજિક તત્વોના ટોળાએ પાંચ જેટલા લોકો પર જીવલેણ હુમલો કર્યો છે, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, એટલું જ નહીં એક જ પરિવારના ત્રણ લોકો અસામાજિક તત્વોનો ભોગ બન્યા છે, પણ પોલીસે કલાકો સુધી ફરિયાદ લેવામાં જાણે કેમ રસ ન દાખવ્યો તે એક સવાલ ઊઠ્યો હતો આખરે પીડીત પરિવાર અસામાજીક તત્ત્વો સામે ફરિયાદ કરવા કટિબદ્ધ હોવાથી ૧૬ હુમલાખોરો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પીડિત પરિવારના જણાવ્યા મુજબ મયુરકુમાર મુળજીભાઈ કટારા જઇ રહ્યા હતા, ત્યારે ગુરૂવારે સાંજે સાત વાગ્યાના અસરામાં અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કર્યો હતો, હુમલાખોરોએ લોખંડ તેમજ કુહાળીથી હુમલો કર્યો હોવાનો પરિવારજનોએ જણાવ્યું હતું, ત્યારબાદ ઇજાગ્રસ્ત વ્યક્તિને રોડ પર ફેંકની હુમલાખોરોએ ફોન કરીને પરિવારજનોને માહિતી આપી. ઇજાગ્રસ્ત હાલતમાં પરિવારજનોએ તાત્કાલિક મોડાસા ખાતે દાખલ કરવા માટેની કવાયત હાથ ધરી, ત્યારબાદ ભોગ બનનારના ભાઈ પર ટોળાએ હુમલો કરી દીધો..

હુમલાખોરોએ ઇજાગ્રસ્ત યુવક પાસેથી રોકડ નાણાં, સોનાની ચેન સહિત બાઈક પર લઇ લીધુ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. આ સમગ્ર ઘટનામાં યુવકની માતાને હાથના ભાગે અને પગના ભાગે માર મારવામાં આવ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. ગત અદાવત રાખીને હુમલાખોરોએ આ પ્રકારની ઘટનાને અંજામ આપી પોલિસને પણ ચેલેન્જ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઘટનાને પગલે શુક્રવાર બપોરે 12 વાગ્યે પીડિત પરિવારો મોડાસા ગ્રામ્ય પોલિસ મથકે ફરિયાદ કરવા માટે પહોંચી ગયા હતા, જો કે પોલિસની ઢીલી નીતિનો ભોગ આ પરિવારો બન્યા હતા, અને સાંજ 7 વાગ્યા સુધી ફરિયાદ ન લેવાઈ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

કુડોલ ઘાંટા ગામે થોડાક દિવસો પહેલા હત્યાની એક ઘટના ઘટી હતી, ત્યાંતો ફરી એક જ પરિવારના બે યુવકો તેમજ માતા પર થયેલા હુમલાને લઇને પિતાની આંખોમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રામ્ય પોલિસ ગ્રામિણ વિસ્તારના લોકોની લાગણી જરાય સમજતી ન હોય તેવી સ્પષ્ટ લાગ્યું હતું.  

કોણ છે હુમલાખોર ૧૬ આરોપીઓ.....વાંચો 

 ૧) રમેશ સળું ડામોર, ૨) લક્ષ્મણ સળું ડામોર, ૩) મદન શાંતિલાલ તરાળ, ૪) જીજ્ઞેશ શાંતિલાલ તરાળ, ૫) શાંતિલાલ કમજી તરાળ, ૬) કલ્પીતાબેન રમેશ ડામોર, ૭) વાયલાબેન રમેશ ખરાડી, ૮) સુભાષ શાંતીલાલ તરાળ ,૯) દીલીપ અરવિંદ ખરાડી, ૧૦) નરેશ લક્ષ્મણ ખરાડી, ૧૧) જગદીશ ચીમન ખરાડી, ૧૨) અનીલ જયંતી ખરાડી, ૧૩) કાંતી સળું ખરાડી, ૧૪) કીરીટ પુંજા ખરાડી, ૧૫) નરેશ ખરાડીનો પુત્ર (તમામ, રહે.કુડોલ ઘાંટા) અને ૧૬) નવનીત રમેશ ગેલાત (રહે, ધરોલા, મેઘરજ) 

ઇજાગ્રસ્ત યુવકને ૧૦ ટાંકા અને ફ્રેક્ચર

કુડોલ ઘાંટા પંથકમાં યુવક પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં યુવક ગંભીર હાલતમાં મોડાસાના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જેમાં યુવકને મોંઢાના ભાગે તેમજ પગના ભાગે મળી દસ જેટલા ટાંકા આવ્યા છે જ્યારે હાથના ભાગે ફ્રેક્ચર થયું છે.

હુમલાખોરોએ ચલાવી લૂંટ !

કુડોલ ઘાંટા પંથકમાં અસામાજિક તત્વો આ પ્રકારની ઘટનાને અજામ આપીને લૂંટ ચલાવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો, તેમની પાસે રહેલા રોકડ નાણાં, સોનાની ચેન તેમજ બાઈક લઇ ગયા હોવાનું જણાવ્યું હતું.

ગ્રામ્ય પોલિસની ઢીલી નિતી સામે રોષ

મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બનતી ઘટનાઓને પગલે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે, ત્યારે કુડોલ ઘાંટા ગામે બનેલી ઘટનામાં ગુરૂવાર સાંજે બનેલી ઘટના અંગે શુક્રવાર સાંજે પોલિસે આ બાબતે થોડ઼ુક ધ્યાન આપ્યું, પીડિત પરિવારો પોલિસને આજીજી કરતા રહ્યા પણ ગ્રામ્ય પોલિસ ફરિયાદ લેવામાં ઢીલી નીતિ અપનાવી હોય તેવો અહેસાસ અનુભવ્યો હતો અને પોલીસની કામગીરી સામે આક્રોશ છવાયો હતો.