મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક રોડની દુર્દશાથી નગરજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. નગરપાલિકા તંત્ર આંતરિક માર્ગો પાછળ વર્ષે દહાડે લાખ્ખો રૂપિયા પ્રજાજનોના ટેક્ષના રૂપિયા ધૂળધાણી કરતા હોય તેમ ઠેર ઠેર રાજમાર્ગો ધોવાતાં ખાડા માર્ગમાં પરિવર્તિત બન્યા છે.

મોડાસા શહેરની ઋષિકેશ સોસાયટીના રહીશોનું કહેવું છે કે, ડામર રોડ ગત ચોમાસામાં મસ મોટા ખાડાઓ પડતા નગરપાલિકા તંત્ર આંખ આડા કાન કરી સમારકામ નહીં કરતા ચાલુ ચોમાસામાં ખાડા વધુ ઉંડા થતા અકસ્માતનો ભય સર્જાતા પ્રજાજનો અને વાહન ચાલકોમાં ઉગ્ર રોષ છે. રત્નદીપથી ઋષિકેશ સોસાયટીનો રોડ પર સત્વરે સમારકામ હાથધરવામાં આવેની માંગ પ્રબળ બની છે.

મોડાસા નગરપાલિકામાં વોર્ડ.નં-૨ નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપનો ગઢ હોવાથી સત્તામાં ભાજપને બેસાડવા કિંગ મેકરની ભૂમિકા ભજવે છે. ચૂંટણી સમયે વોર્ડ.નં-૨ માં પગના તળિયા ઘસી નાખતા નેતાઓ અને કોર્પોરેટરો વોર્ડ.નં-૨ માં ડોકાતા પણ નથી નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા બન્યા પછી ભાજપના ૪ કોર્પોરેટરો શોધ્યા એ જડતા નથી. 

મોડાસા નગરપાલિકાના વોર્ડ.નં-૨ માં સમાવિષ્ટ ઋષિકેશ સોસાયટીથી રત્નદીપ સોસાયટીનો રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. સ્થાનીકો કહે છે કે, રોડ ધોવાતાં નગરપાલિકા તંત્ર દ્વારા તાબડતોડ રોડ પર સમારકામ અને રી-સરફેશની કામગીરી હાથધરવામાં આવેની માંગ પ્રબળ બની છે. રોડ પર પડેલા ખાડાઓમાં અનેક વાહનચાલકો પટકાતા અકસ્માતનો ભોગ બનતા નગરપાલિકાની બેદરકારી સામે વાહનચાલકોમાં પણ ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

મોડાસાના માલપુર રોડ પર ગટરલાઈન માટે ખોદાયેલ ખાડા મોત નોંતરનારા

મોડાસા શહેરનો માલપુર રોડ પહોળો કરવાનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઈન નાખવાનું કામકાજમાં કોન્ટ્રાક્ટરે ખોદેલ ખાડાઓ ખુલ્લા રાખતા અને ગટરલાઈન પર માટી નાખી દેવામાં આવતા પ્રજાજનો અને વાહનચાલકોમાં ખાડાઓ કોઈ નિર્દોષ રાહદારીનો ભોગ લે તે પહેલા પુરવામાં આવેની માંગ પ્રબળ બની છે.