મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા શહેરમાં દિન-પ્રતિદીન કુતરાઓનો આંતક વધી રહ્યો છે.શહેરના રહેણાંક સોસાયટીઓ અને ગલી-મહોલ્લાઓમાં જ્યાં જુઓ ત્યાં કુતરા અડિંગા જોવા મળે છે. મોડાસા શહેરમા રખડતા ઢોરો બાદ હવે કુતરાઓના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મોડાસા શહેરની રત્નદીપ સોસાયટીથી ઋષિકેશ અને યમુનાનગર સોસાયટી સુધીના માર્ગ પર કુતરાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શહેર જાણે શ્વાન નગર બની રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરમાં દિવસેને દિવસે કુતરાનો આંતક વધતા શહેરમાં વૃધ્ધો અને બાળકોને બહાર નિકળવામાં પણ બીક લાગી રહી છે.

મોડાસા શહેરની રત્નદીપ થી ઋષિકેશ સોસાયટીમાં રખડતા કુતરાઓ વાહનચાલકો અને રાહદારીઓને પાછળ દોડતા અને બચકા ભરી લેતા વાહનચાલકો અને રાહદારીઓ રસ્તો બદલવા મજબુર બની રહ્યા છે. ઋષિકેશમાં રહેતા લેબોરેટરી સંચાલક જયેશ ભોઈની બાઈક પાછળ કુતરા પડતા બાઈક સ્લીપ થઇ જતા શરીરે ઈજાઓ પહોંચતા સારવાર લેવાની નોબત આવી હતી. મોડાસા નગરપાલિકા ટીમ દ્વારા કુતરાઓને પાંજરે પુરી જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવેની માંગ પ્રબળ બની છે. 

મોડાસા શહેરમાં હવે રખડતા ઢોર પછી કુતરાઓના ઝુંડ નગરજનો માટે આફતરૂપ બની રહ્યા છે. રત્નદીપ અને ઋષિકેશ સોસાયટીમાં રોડ પર પડી રહેતા કુતરાના ટોળા વાહનચાલકો પાછળ દોડાદોડી કરી કરડી ખાતા વાહનચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અજાણ્યા વાહનચાલકો અને રાહદારીઓ તો રત્નદીપ અને ઋષિકેશ સોસાયટીમાંથી પસાર થતા મોતને હાથતાળી આપી પસાર થયા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે. બંને સોસાયટીમાં અનેક લોકોને કુતરા કરડવાની અને પાછળ પડવાથી ઈજાગ્રસ્ત બનવાની ઘટનાઓ સતત બની રહી છે. બંને સોસાયટી અને શહેરમાં વધતા જતા કુતરાઓના આતંક સામે શહેરીજનોમાં નગરપાલિકા તંત્ર દ્વારા પાંજરે પુરી શહેરની બહાર છોડી મુકવામાં આવેની માંગ પ્રબળ બની છે.