મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે ઉત્તર ભારતના રાજ્યોની જેમ મહિલાઓની છેડતી, અપહરણ અને હત્યાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. મોડાસાના સાયરા (અમરાપુર) ગામની ૧૯ વર્ષીય યુવતીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાની ઘટના પછી સમગ્ર ગુજરાતમાં ઘટનાના ભારે પડઘા પડી રહ્યા છે. મોડાસા શહેર ચાર રસ્તા ટાઉનહોલ ખાતે સાયરા (અમરાપુર)ની “નિર્ભયા” ના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સાંસદ કિરીટ સોલંકી સહીત ભાજપના અનુ.જાતિ સમાજના નેતાઓ અરવલ્લી જીલ્લા કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો અને સર્વ સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહી “નિર્ભયા” ને શ્રદ્ધાંજલિ આપી આપી હતી.

અમદાવાદના સાંસદ ર્ડો.કિરીટ સોલંકીએ મોડાસાના સાયરા (અમરાપુર) ગામની ૧૯ વર્ષીય યુવતીનું અપહરણ થયું ત્યારે તેના પરિવારજનો ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ગયા ત્યારે ફરિયાદ લેવાના બદલે જાણવાજોગ ફરિયાદ લીધી હતી. પોલીસતંત્રની ઢીલી નીતિ અને નિષ્ફળ કામગીરીના પગલે સમગ્ર ઘટનાનું નિર્માણ થયું હોવાથી જીલ્લાના એસપીને સસ્પેન્ડ કરવામાં આવેની માંગ કરી હતી અને યુવતીનું અપહરણ કર્યા પછી દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી હોવાની સાથે હત્યાને આત્મહત્યામાં ખપાવવાનું નાટક કરવામાં આવ્યું છે. “નિર્ભયા” કાંડ સર્જનાર આરોપીઓને કડકમાં કડક સજા થાય ત્યારે જ સાચી શ્રદ્ધાંજલિ આપી હોવાની ગણાશે તેમ ભાર પૂર્વક કહ્યું હતું. 

મોડાસા શહેર કોંગ્રેસ સમિતિએ શ્રદ્ધાંજલિ અર્પી હતી 

મોડાસા શહેર કોંગ્રેસ સમિતિએ મોડાસા ટાઉનહોલ ખાતે સાયરા( અમરાપુર) ગામની “નિર્ભયા” ને શ્રદ્ધાંજલિ અર્પી હતી જેમાં શહેર પ્રમુખ ઇકબાલ ઇપ્રોલીયા, નગરપાલિકાના કોર્પોરેટરો અને કોંગ્રેસના કાર્યકરોએ અને મહિલા મોરચાએ શ્રદ્ધાંજલિ આપી હતી અને ન્યાયની માંગ કરી હતી.