મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા રેલવેના મેદાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી ૧૦ જેટલા શ્રમજીવી પરિવાર ઝુપડપટ્ટી બનાવી વસવાટ કરી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા પરિવારોની વરસાદ શરુ થતાની સાથે દયનિય હાલત બને છે અને નજીકમાં આવેલ કોમ્પ્લેક્ષ બહાર આશરો મેળવવા મજબુર બનવું પડે છે.

લોકો ભોજન, કપડા, રમકડા, શિક્ષણના સાધનો દ્વારા તો સેવા કરે છે તેમના કાર્યો પણ એટલા જ ઉમદા કહી શકાય પણ માથા પરની છતની જરૂરિયાત દરેક પરિવારને હોય, ચાહે તે સુખી સંપન્ન પરિવાર હોય કે પછી ગરીબ પરિવાર હોય. હાલમાં વરસાદની ઋતુ દરમિયાન માથે છત હોવી તે દરેક પરિવાર માટે કેટલું જરૂરી છે તે આપને સમજાવવાની જરૂર નથી આપ એટલા જાણકાર તો છો જ. ત્યારે મોડાસા જાયન્ટ્સ પરિવારે ઉપર આભ અને નીચે જમીન પણ પોતાની નથી અને ઘાસ કે તૂટીફૂટી તાડપત્રીનું ખોરડું બનાવી રહેતા પરિવારોને તાડપત્રી અને છત્રીનું વિતરણ કર્યું છે.

આ સેવા યતજ્ઞમાં જાયન્ટ્સના પૂર્વ પ્રમુખ સુરેશ સોનીનો આર્થિક સહયોગ મળ્યો હતો. ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારના બાળકો નજીકના બગીચામાં રમી રહ્યા હતા ત્યારે ઝાડ પડતા એક બાળક ફસાતા તેની બહેને બાળકને ઝાડની ડાળીઓમાંથી મહામુસીબતે બહાર કાઢી હતી. તેમણે દીકરીની હિંમતને પણ બિરદાવી હતી. આ સેવાયજ્ઞ કાર્યક્રમમાં જાયન્સ ટ્રસ્ટી નિલેશભાઈ જોષી, જાયન્ટસના પ્રમુખ નરેન્દ્ર ભાઇ પટેલ, મંત્રી પ્રવીણ પરમાર, પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સોની, ભાવેશ જયસ્વાલ, પરેશભાઈ શાહ, મુકુન્દ શાહ હાજર રહ્યા હતા. જરૂરિયાતમંદ પરિવારોને ચોમાસુ આવી પહોંચ્યું છે ત્યારે જાયન્ટ્સનો સહારો મળતાં પરિવારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.