મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા રૂરલ પોલીસ છેલ્લા કેટલાક સમયથી વિવાદનું કેન્દ્ર બની રહી છે. ફરિયાદીની ફરિયાદ લેવામાં ઉણી ઉતરી રહી હોવાની અને આરોપીઓને છાવરવામાં પાવરધી બનતી હોવાની બૂમો ઉઠી હતી. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ પી. ડી. રાઠોડે ચાર્જ સંભાળ્યા પછી ચોરીના ગુનો નોંધવામાં ભારે બેદરકારી દાખવવામાં આવતી હોવાની અને અગમ્ય કારણોસર પોલીસ ફરિયાદી પાસેથી અરજી લેવાનો આગ્રહ રાખતી હોવાની ચર્ચાએ રૂરલ પોલીસ સ્ટેશનની કામગીરી સામે અનેક સવાલો પેદા કર્યા હતા, ત્યારે થોડા સમય અગાઉ ટીંટોઈ નજીક ખેતરમાંથી ડ્રિપના માલસામાનની ચોરી થતા અને અન્ય એક પેટ્રોલપંપ નજીકથી કોપરના વાયર ચોરી થતા બંને ફરિયાદ લેવામાં મોડાસા રૂરલ પોલીસે ગુનો નોંધવામાં બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું હતું.

 બંને અલગ અલગ ચોરી છતાં એક જ ગુનો નોંધાતા આ અંગે બંને ફરિયાદીએ જીલ્લા પોલીસવડા સંજય ખરાતને રજૂઆત કરતા તપાસનો આદેશ આપ્યો હતો. તપાસમાં આખરે પીએસઆઈ પી ડી રાઠોડની બેદરકારી જણાઈ આવતા સસ્પેન્ડ કરી દેવાયા હતા. જેને કારણે પોલીસબેડામાં ખળભળાટ મચ્યો હતો. જીલ્લા પોલીસવડાની કાર્યવાહીને લોકોએ આવકારી હતી.

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ બુટલેગરો સાથે ભાઈબંધી અને આરોપી સાથે સાંઠગાંઠ કરવામાં પાવરધા હોવાની ચર્ચા વચ્ચે સતત જીલ્લામાં ફરજ બજાવતા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સામે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે કડક પગલાં ભરી રહ્યા છે ત્યારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ પી.ડી.રાઠોડને ચોરીના ગુન્હા દાખલ કરવામાં વિલંબ કરવામાં અને બે અલગ અલગ ચોરીના ગુન્હાની એક જ ફરિયાદ દાખલ કરતા મોડાસા રૂરલ પીએસઆઈ પી.ડી રાઠોડની બેદરકારી બહાર આવતા જીલ્લા પોલીસવડાએ સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે.