મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: મોડાસા શહેરમાં વિકાસના નામે ખાનગી કંપનીઓ અને કોન્ટ્રાક્ટરો આડેધડ ખોદકામ કરી રહ્યા છે અને ખાડા પુરાવામાં આળસ દાખવતાં વાહનચાલકો ખાડામાં ખાબકવાની ઘટનાઓ બની રહી છે. જાણે મોડાસા શહેરમાં ખાનગી કંપનીઓ, કોન્ટ્રાક્ટરો પર નાગરપાલિકાનો કોઈ અંકુશ જ ન હોય તેવો નગરજનો અહેસાસ અનુભવી રહ્યા છે. મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલી સોસાયટી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ખાનગી કંપની કેબલ નાખવાનું કામ કરી રહી છે કોન્ટ્રાક્ટરે ખોદેલ ખાડાઓ ખુલ્લા રાખતા અને કેટલીક જગ્યાએ ખાડાઓમાં માટી નાખી દેવામાં આવતા પ્રજાજનો અને વાહનચાલકોમાં ખાડાઓ કોઈ નિર્દોષ રાહદારીનો ભોગ લે તે પહેલા પુરવામાં આવેની માંગ પ્રબળ બની છે. 

મોડાસાની હરિઓમ નગર સોસાયટીમાં રહેતા વૃદ્ધા બીમાર થતા મંગળવારે સાંજના સુમારે તેમનો પુત્ર કાર લઈને માતાને સારવાર કરાવવા નીકળ્યા હતા ત્યારે ઋષિકેશ સોસાયટીમાંથી પસાર થતા રોડ નજીક ખોડેલ ખાડામાં કાર ખાબકતાં ભારે અફડાતફડી મચી હતી. સોસાયટીના રહીશોએ કારમાં રહેલા વૃદ્ધાને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. ખાડામાં ખાબકેલી કાર પડતી મૂકી અન્ય વાહન મારફતે સારવાર અર્થે દવાખાને લઈ જવાની નોબત આવી હતી. રહેણાંક સોસયટીઓમા આડેધડ ખોદેલા ખાડાઓથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે કાર ખાડામાં ખાબકતા કારને ભારે નુકશાન પહોંચ્યું હતું. 

મોડાસા શહેરના માલપુર રોડ પર છેલ્લા કેટલાક સમયથી ખાનગી કેબલ કંપની કેબલ નાખવાનું કામ કરી રહી છે શહેરીજનોને હાલાકી પડી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. ખાનગી કંપનીના કેબલ નાખતી કંપનીના  કોન્ટ્રાક્ટરો ઠેર ઠેર ખાડા તો કરે છે પણ આ ખાડા પૂર્યા બાદ તેના પર સમારકામ પૂર્ણ કરવાનું કામકાજ અધૂરું છોડી દેવામાં આવ્યું હોય તેમ ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. રોડને અડીને ખોદાયેલા ખાડા વાહનચાલકો અને રાહદારીઓ માટે આફતના ખાડા બની રહ્યા છે. ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે ત્યારે આ ખાડાઓમાં વાહનચાલકો ખાબકી રહ્યા છે નગરજનોને કોને ફરિયાદ કરવી એ પણ ખબર પડતી નથી કેટલીક જગ્યાએ તો આર.સી.સી રોડ પણ ખાનગી કેબલ કંપનીના કોન્ટ્રાક્ટરે તોડી નાખ્યા છે ત્યારે નગરપાલિકા તંત્રે કેબલ નાખતી ખાનગી કંપનીને તાત્કાલિક નોટિસ ફટકારી ખાડા પુરાવા તાકીદ કરે તેવી લોક માંગ પ્રબળ બની છે.